અભ્યાસક્રમમાં ૩૦% ના ઘટાડાની જાહેરાત શાળા – વિદ્યાર્થીઓની હાલ સુધીની ઓનલાઇન શિક્ષણ અને અભ્યાસ પર પાણી ફેરવી દેશે તેવી ભીતિ
કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોના સંક્રમણને અટકાવવા દેશવ્યાપી લોક ડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. આર્થિક મોરચે લોક ડાઉનને કારણે ભારે નુકસાની સર્જવાને પગલે તબક્કાવાર અનલોક સ્વરૂપે છૂટછાટ આપવામાં આવી છે પરંતુ હજુ સુધી શાળા – કોલેજો બંધ અવસ્થામાં છે જેથી વિદ્યાર્થીઓ – વાલીઓ અને શાળા સંચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં ટપ્પો નહીં પડવાથી હેરાન છે. જ્યારે સંચાલકો ઓનલાઇન શિક્ષણમાં કઈ રીતે સિલેબસ પૂરું કરવું તેના માટે ઘાંધા થયા છે. જ્યારે બાળકનું ભાવિ ન બગડે તેવી ચિંતા વાલીઓને સતાવી રહી છે.
કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ અમલી બનાવવામાં આવ્યું છે. પરંતુ ઓનલાઇન શિક્ષણમાં ખૂબ જ વિસંગતતા હોવાથી વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મારફત ટપ્પો નહીં પડતા શાળા સંચાલકો પણ મૂંઝવણમ મુકાયા છે. તેવા સમયમાં હવે ધોરણ ૯ થી ૧૨ કે જે કોઈ પણ વિદ્યાર્થીના ભાવિ માટે અતિ મહત્વપૂર્ણ સમયગાળો ગણવામાં આવે છે તેમાંથી ૩૦% સિલેબસમાં ઘટાડો કરવાની જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. જે બાબત પ્રસંશનીય છે પરંતુ શું આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે હિતકારી સાબિત થશે કે કેમ તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે.
છેલ્લા ૩ મહિનાથી જે રીતે ઓનલાઇન શિક્ષણ મારફત શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે દરેક વિષયમાં હાલ સુધી ૩૦% થી માંડી ૪૦% સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ પણ કરી લેવામાં આવ્યો છે. તેવા સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સિલેબસમાંથી ૩૦% નો ઘટાડો કરવામાં આવશે જેમાં એવા યુનિટ કાઢી નાખવામાં આવશે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બિનજરૂરી છે પરંતુ શિક્ષણ વિભાગ એવુ કઈ રીતે નક્કી કરી શકે કે કયું ચેપટર વિદ્યાર્થીઓ માટે જરૂરી છે અને કયું બિનજરૂરી છે ?
ઉપરાંત હાલ સુધી ધારો કે શાળાએ કોઈ એક વિષયમાં ૫ જેટલા ચેપટર પૂર્ણ કરી લીધા છે અને હવે સિલેબસમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે જો ૫ ચેપટરમાંથી ૩ ચેપટરને સિલેબસમાંથી કાઢી નાખવામાં આવે તો અત્યાર સુધીની વિદ્યાર્થી – શાળાની મહેનત સીધી પાણીમાં જતી રહે તેવો ઘાટ ઘડાયો છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ – શાળાઓ બંને મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે, હાલ કયું ચેપટર ચલાવવું અને કયું ચેપટર બાકાત રાખવું. એ ઉપરાંત હાલ સુધી જેટલી મહેનત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કરી છે તે પાણીમાં તો જતી નહિ રહે તેવી ચિંતા પણ ઉભી થઈ છે. ત્યારે આ તમામ બાબતો ધ્યાને લઈને કહી શકાય કે સિલેબસના ઘટાડાની જાહેરાત વિદ્યાર્થીઓ – શાળા માટે માથું ફેરવી નાખે તેવું છે.