કોચીંગ સેન્ટરમાં આગની દુર્ઘટનાથી રાજયભરમાં અરેરાટી
મૃતક ૨૩ પૈકી ૧૯ બાળકોની એક સાથે અર્થી ઉઠી, સમગ્ર શહેર હિબકે ચડયું: બિલ્ડરે તક્ષશીલા બિલ્ડીંગનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે મંજૂરી વગર ચણી લીધો હોવાનો ઘટસ્ફોટ: ઘટના ના પગલે સમગ્ર રાજયમાં ફાયર સેફટી મુદે તંત્ર એલર્ટ
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશીલા આર્કેટમાં ગઈકાલે ભીસણ આગ લાગી હતી. આ આગની દુર્ઘટનામાં ૨૩ બાળકોના મોત નિપજયા હતા. જેમાંથી ૧૯ બાળકોની આજે એક સાથે અર્થી ઉઠતા સમગ્ર શહેર હિબકે ચડયું હતુ. આ ઘટનાના પગલે ડયુશન સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. જયારે બિલ્ડર હાલ ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આ બિલ્ડીંગનો ત્રીજો અને ચોથો માળ બિલ્ડર મંજૂરી વગર ચણી લીધોહોવોનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર રાજયમાં ફાયર સેફટી મુદે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.
સુરતના સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશીલા આર્કેટમાં ગઈકાલે ભિસણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફલોર મીઠાઈની દુકાનના એસીમાં બ્લાસ્ટથી લાગેલ આગ જોત જોતામા આખા બિલ્ડીંગમાં ફરી વળી હતી. આ આગ થી ચોથા માળે આવેલા અલોહા ફેસનડીઝાઈનીંગ ઈન્સ્ટીટયુટના અનેક વિદ્યાર્થીઓ જીંવતા ભુંજાઈ ગયા હતા. ઉપરાત અમુક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ચોથા માળેથી નીચે કુદકાઓ લગાવ્યા હતા. આ સમગ્ર ઘટનાથી શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ ૨૩ બાળકોના મોત નિપજયા હતા.
સુરતમાં સર્જાયેલી આ ઘટનાથી ફાયર વિભાગ,મહાપાલીકા સહિતના વિભાગોની બેદરકારી સામે આવી છે. ત્યારે આ ઘટનાના પગલે સમગ્ર રાજયમાં તંત્ર ફાયર સેફટી મુદે એલર્ટ ઉપર આવી ગયું છે. આજ રોજ મૃતક ૨૩ પૈકી ૧૯ બાળકોની એકસાથે અર્થી ઉઠી હતી આ વેળા સમગ્ર શહેર હીબકે ચડયું હતુ બાળકોની અંતિમ વિધીમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ તેઓનાતમામ કાર્યક્રમો પડતા મૂકી તાત્કાલીક સુરત દોડી આવ્યા હતા. સ્થળ સ્થિતિ સમક્ષી કરી તેઓએ શહેર વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરીને તપાસના આદેશ આપ્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં તેઓએ મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને પરિવારજનો ૪-૪ લાખ રૂયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હતભાગી પરિવારોને સાંત્વના પાઠવી હતી.
સુરતની આ ઘટના બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ક્રાઈમબ્રાંચે ધરપકડ પણ કરી લીધી છે. આ ઉપરાંત બિલ્ડર હરસુખ વેકરીયા અને તેમના પાર્ટનર જીજ્ઞેશ સવજી પાગદારે તક્ષશીલા બિલ્ડીંગમાં ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે ચણીલીધો હોવાનું ઘટસ્ફોટ થતા તેમની સામે પોલીસે આઈપીસી ૩૦૪ હેઠળ ગુન્હો નોંધી તેમને પકડી પાડવાનીતજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત સુરતની આ દુર્ઘટનાથી સમગ્ર શહેરમાંઅરેરાટી વ્યાપીગઈ છે. ત્યારે આજરોજ સુરત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ જેના પગલે સુરતના ડાયમંડ નગર સહિતના અનેક વિસ્તારોએ બંધ પાડીને મૃતક બાળકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
ત્રણ મૃતક વિદ્યાર્થીનીઓનું આજે ધો.૧૨ કોમર્સનું પરિણામ આવ્યું
સુરતના અગ્નીકાંડમાં ૨૩ વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાંના બે વિદ્યાર્થીઓએ ધો.૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી અને ત્રણ વિદ્યાર્થીનીઓએ ધો.૧૨ કોમર્સની પરીક્ષા આપી હતી આ ત્રણ વિદ્યાર્થીનીઓનું આજે પરિણામ જાહેર થયું હતુ પરંતુ કમનસીબે પરિણામ જોવા માટે આ ત્રણેય વિદ્યાર્થીનીઓ હયાત નહોતી મૃતક સુરાણી હસ્તી હિતેશભાઈએ ૬૯.૩૯ ટકા, કેવડીયા યશ્વી દિનેશભાઈએ ૬૭.૭૫ટકા અને વર્ષાણી માનસી પ્રવિણભાઈએ ૫૨.૦૩ ટકા મેળવ્યા છે.