ઉમેદવારો માંડ-માંડ નક્કી કર્યા ત્યાં જેડી(યુ) અને એનસીપી સાથેના ગઠબંધનના કારણે મડાગાંઠ પડી
ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી સમીતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ક્રીનીંગ કમીટીએ ૧૬૨ બેઠકોની યાદી કલીયર કરી દીધી છે. જો કે બાકીની ૨૦ બેઠકોના મુદ્દે મડાગાંઠ ચાલુ છે. અલબત ઉમેદવારોની જાહેરાતમાં હજુ પણ મુદ્દતનો સીલસીલો જારી છે પરંતુ આ સીલસીલો સાથી પક્ષો માટે અકળામણ સમાન સાબીત થઈ રહ્યો છે.
અત્યાર સુધી કોંગ્રેસે સંભવિત વિરોધને ટાળવા માટે સર્વાનુમતે સીંગલ નામ, ઉમેદવાર જાહેર કર્યા નથી. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીના મુદ્દે એક પછી એક મુદત પડવા પાછળ વિવિધ સમાજ સાથે કરવામાં આવેલી બેઠક સમજૂતીને જવાબદાર ગણવામાં આવે છે. જો કે કોંગ્રેસની ગુંચવણ સાથી પક્ષોને વધુ અકળાવી રહી છે. પાટીદાર અને અલ્પેશ ઠાકોર સાથેની બેઠકોનું કોકળુ ઉકેલીને ઉમેદવારો નક્કી કરવાનો પ્રયત્ન કરાયો છે ત્યારે જે.ડી.યુ. અને એનસીપી સાથેના ગઠબંધનના કારણે વધુ મોટી મડાગાંઠ પડી છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે, કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમીતીમાં એનસીપી અને જેડીયુ સાથેની સમજૂતી અંગે ચર્ચા કરવામાં આવી હોવાથી કોંગ્રેસે ૧૮૨ બેઠકોમાં ઉમેદવારો નક્કી કરી લીધા પછી પણ ફેરફાર થાય તેવી શકયતા છે.ભાજપે કેટલાક ઉમેદવારો જાહેર કરી દીધી બાદ હવે કોંગ્રેસ પણ ઉમેદવારોની જાહેરાતમાં મોડુ કરવા તૈયાર નથી. જો કે સાથી પક્ષો સાથેની સમજૂતી જાહેરાત બાદ થનાર ફેરફારની દહેશત વ્યકત કરતી હોય. આ મુદ્દે હજુ વધુ ફોડ પાડવામાં આવ્યો નથી.તાજેતરમાં એનસીપીના ચીફ શરદ પવારે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીથી ભારતીય જનતા પક્ષ ડરી રહ્યો છે.
એનસીપીના ચીફ શરદ પવારનું આ નિવેદન હજુ બન્ને પક્ષ વચ્ચેની સહમતી દર્શાવી ર્હયુ છે. કોંગ્રેસને એક તરફ અલ્પેશ ઠાકોર અને પાટીદાર અનામત આંદોલન સમીતીને સાથે રાખવા છે. જયારે બીજી તરફ સાથી પક્ષોની માંગને પણ પૂરી કરવાની છે. આ તમામ વચ્ચે કોંગ્રેસની અસમંજસતા સાથી પક્ષો માટે વધુ મુંઝવણ ઉભી કરી રહી છે.