• આજ ગગનથી ચંદન ઢોળાય રે, એમાં આસોના અજવાળા થાય….
  • 350 થી વધુ દિકરીઓ દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ બોલાવશે, કરતાલ, દાંડીયા, બેડા, દિવડા, થાળી, માંડવી સહિતના સાધનો વડે પ્રસ્તુતિ કરશે
  • પ્રાચીન નવરાત્રી મહોત્સવના જાજરમાન આયોજન અંગે વિગત આપવાં ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા સહિત શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ લીધી ‘અબતક’ની મુલાકાત

આસો માસની મહાનવરાત્રીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે મા આદ્યશકિતની આરાધનામાં ધોળકીયા સ્કુલ સૌને જોડવા આતુર છે. દિવ્ય શકિત સ્વરુપમાં જગદંબાના કૃપાપાત્ર બનવા આપણે સૌ ગરબાના માઘ્યમથી નોરતાની રાત્રે મા આદ્યશકિતની આરાધનામાં જોડાઇએ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીમાં નવદુર્ગાની ભકિત, પૂજા, અર્ચના, આરાધના કરવા માટેનું મહાપર્વ એટલે નવરાત્રી પર્વ ગુજરાતીઓના પ્રિય તહેવારને ગરબા મહોત્સવ કહીએ તો પણ ખોટું નથી.

નવલા નોરતાની એ જ પરંપરાને અનુસરવા, સંસ્કૃતિની ગરિમા જાળવવા અને ધર્મની ધરોહરનું જતન કરવાના શુભ-આશયથી મા આદ્યશકિતની ભકિત

મા નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ ગરબાની રમઝટ બોલાવી મા અંબા નવદુર્ગાના વધામણા કરવા ધોળકીયા શાળા પરિવાર થનગની રહ્યો છે.

ધોળકીયા સ્કૂલ્સ રાજકોટ તેના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ ઉત્તમ સંસ્કાર અને કુશળ નેતૃત્વના ગુણો વિકાસવવામાં સૌરાષ્ટ્રભરમાં ખ્યાતનામ છે જ સાથે સાથે આ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઘરોહર સમાન મહાનતમ ધાર્મિક ઉત્સવસ્વરુપ મા નવદુર્ગાના પ્રાચીન રાસ ગરબા દ્વારા ભકિત આરાધનાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયોજન કરી. બાળકોની અંદર વિદ્યાર્થી કાળથી જ દેશપ્રેમ, દેશ-દાઝ, સંસ્કૃતિ પ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજારોપણ કરી છેલ્લા સાત વર્ષથી આ બાળ માનસને ધર્મ અને ભારતની પરંપરાગત  સંસ્કૃતિ તરફ અભિમુખ કરી રહી છે. જેના ભાગ રુપે ધોળકીયા સ્કુલ્સની બાળાઓ માતૃવંદના કરવા મા ના ગુણલાં ગાવા, માને રાજી કરવા થનગની રહી છે.

દાંડીયા, કરતાલ, બેડા, દીવડાં, ટીપ્પણી, મંજીરા, તલવાર ત્રિશુલ, ઘડા, દિવા, ખઁજરી, લહેરીયા રૂમાલ,વિંઝડા થાળી ચુની, માંડવી અને અન્ય વિવિધ સાધનો વડે મા અંબાની ભકિત કરી ગુણગાન ગાઇ માને રીઝવવાના સ્તુતિમય પ્રયાસો કરાય છે.

છેલ્લા નવ વર્ષથી ધોળકીયા સ્કૂલ્સ શાળા પરિવાર નવરાત્રી પ્રાચીન રાસ ગરબા મહોત્સવ કાર્યકમનું આયોજન કરી રહી છે.જેમાં બાળકોઓ હોંશે-હોંશે ભાગ લઇ રહી છે.

ત્યારે અદ્યતન ટેકનોલોજી તેમજ વિશ્ર્વ વિખ્યાત ઓરકેસ્ટ્રા ટીમના સથવારે આ નવરાત્રી મહોત્સવને તા. 3 થી 11 દરમિયાન દરરોજ રાત્રે 9 થી 1ર દરમિયાન લોકો નિહાળી શકશે.

દરેક વર્ષે આ પ્રાચીન ગરબીનું આયોજન લઇ દિવાલ બંધ પાટી પ્લોટ કે પટાંગણમાં ટિકીટ કે એન્ટ્રી ફી લઇને નહીં પરંતુ જાહેર જનતા માટે ચાચર ચોકમાં ખુલ્લા મંચ ઉપર કરવામાં આવે છે.

વિશ્ર્વના કોઇપણ વ્યકિત રાજા કે રંક, અબાલ-વૃઘ્ધ અને કોઇપણ જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેક લોકો આપણી પરંપરાગત પ્રણાલીને મન ભરીને માણી શકે. એવો શુભ હેતુ રહેલો છે.

ધોળકીયા શાળા પરિવારનું એક સપનું આપણી પૌરાણિક અને પ્રાચીન પરંપરાઓની માવજત અને સંસ્કૃતિની મહિમા તથા તેનું જતન થઇ શકે અને આવનારી પેઢીઓ આપણી આ મહાનતમ સંસ્કૃતિથી અવગત થાય એવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

ધોળકીયા સ્કુલ્સ રાજકોટના પ્રાચીન રાસ-ગરબાને નિહાળવા રાજકોટ આખામાંથી માનવ મહેરામણ જાણે ઉમટી પડે છે.

સુમધુર સંગીતનો સથવારો સાંપડશે. એસ. ભાસ્કર અને તેમની સમગ્ર ટીમનો જેમાં ચિંતનભાઇ જોશી, કેતનભાઇ ટાટમિયા, ચેતનાબેન પોતાના સુરીલા સ્વર દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરશે જયારે કી બોર્ડ પર ભાસ્કર શિંગાળા અને હિતેશ ગૌસ્વામી પોતાની કલા પીરસશે. રિધમમાં મિતેશભાઇ ઓઝા, રાજેશ લીંબાસીયા, કેયુરભાઇ બુઘ્ધદેવ અને જનકભાઇ વ્યાસ સેવા આપશે.

કાર્યક્રમની વિગત આપવા ધોળકીયા સ્કુલના ટ્રસ્ટ જીતુભાઇ ધોળકીયા, પ્રિન્સીપાલ નેહુલબેન ગાંધી, માહીકૌર માન, વિરાંગનાબેન ગઢીયા, પારૂલભાઇ સોમૈયાએ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

દીકરીઓ પરંપરાગત – પૌરાણિક, પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવશે: જીતુભાઇ ધોળકીયા

‘અબતક’ સાથેની વાતચીતમાં ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ‘વર્ષથી  11 વર્ષથી માઁ નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ ગરબાની રમઝટ બોલાવી માઁ નવદુર્ગાના વધામણા કરીએ છીએ. 330 થી વધુ દિકરીઓ દ્વારા 14 ગ્રુપમાં પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ કરાશે. નામાંકિત  કલાકારો મ્યુઝિશિયન  લાઇવ પ્રસ્તુતિ કરશે. કોરીયોગ્રાફરની મદદથી છેલ્લા 1પ દિવસથી પ્રાચીન ગરબાની તૈયારીઓ કરાવવામાં આવે છે. પપ થી વધુ ગરબા તૈયાર કરવામાં આવ્યાં છે. જે દિકરીઓ દ્વારા પ્રસ્તુત કરાશે અને તમામ બાબતોનું સંચાલન મહિલા પ્રિન્સીપાલ, શિક્ષકો દ્વારા કરવામાં આવશે. દિકરીઓના કપડાથી લઇ જવેલરી તેઓનો નાસ્તો તમામ વસ્તુઓ શાળા પરિવાર દ્વારા આપવામાં આવશે.

પ્રથમ દિવસથી જ બહોળી સંખ્યામાં લોકો પ્રાચીન ગરબી નિહાળવા આવે છે. 11 વર્ષ પહેલા એવો વિચાર આવ્યો હતો કે આપણી જુની પુરાણી પ્રાચીન ગરબીઓ વિશરાય ન જાય તે માટે શાળા દ્વારા પ્રાચીન ગરબીની પ્રસ્તુતિ કરવામાં આવે ત્યારથી શરુ કરી આજ દિન સુધી માઁના નવલાં નોરતામાં માઁની આરાધના પ્રાચીન ગરબા સ્વરુપે કરીએ છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.