ચીન નહીં ચાઈનીઝ કંપનીઓને ‘અસ્પૃશ્યતા’ નડી જશે
૧૫ સપ્ટેમ્બર પહેલા આખે-આખી કંપની જ અમેરિકાની કંપનીને વેંચી દેવી નહીંતર વેલ્યુએશન ઝીરો કરી દેવા તખ્તો
ચાઈનીઝ કંપની બાઈટડાન્સ માત્ર નજીવો હિસ્સો વેંચી ‘છટકી’ ન જાય તે માટેના દરવાજા બંધ
ટીકટોકે અત્યાર સુધી કમાયેલી રકમ ભલે તે રાખે પરંતુ કંપની સંપૂર્ણ અમેરિકન બનાવવા તૈયારી
ખરીદી બાદ વેલ્યુએશનની જે રકમ બાઈટડાન્સને મળશે તેનો કેટલોક હિસ્સો અમેરિકાની સરકારને ચૂકવવો જ પડશે
ચાઈનીઝ કંપની હોવુ ગુનો છે? બાઈટડાન્સ પણ અસમંજસમાં મુકાઈ ગઈ
ચીનની સરકાર અને ચાઈનીઝ કંપનીઓને સામ-સામે કરતો વૈશ્વિક સમુદાય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોદામાં જરા પણ બાંધછોડ કરવા નથી તૈયાર
અમેરિકાના વપરાશકર્તાના ડેટા સિંગાપુરમાં સચવાતા હોવાનો કંપનીનો દાવો
ચીનની આડોડાઈના કારણે અનેક દેશો મુંઝવણમાં મુકાઈ ચૂકયા છે. આર્થિક ક્ષેત્રે મહાકાય સ્વરૂપ ધારણ કરનાર ચીન સામેના પગલામાં ચાઈનીઝ કંપનીઓનો ઘડો લાડવો નિકળી રહ્યો છે. એક રીતે એમ કહી શકાય કે, ચીન નહીં ચાઈનીઝ કંપનીઓને વિશ્ર્વની અસ્પૃશ્યતા નડવા લાગી છે. બાઈટડાન્સ, અલીબાબા સહિતની વૈશ્ર્વિક ચાઈનીઝ કંપનીઓને રોકવા ભારતની જેમ અમેરિકાએ પણ શસ્ત્રો સજાવ્યા છે. ડેટા મુદ્દે અમેરિકાએ બાઈટડાન્સને ભીંસમાં લેવાનું શરૂ કરી દીધું છે. જો આગામી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં બાઈટ ડાન્સ-ટીકટોકને અમેરિકાની કંપનીને સંપૂર્ણપણે વેંચી દેવાશે નહીં તો અમેરિકામાંથી ઉચાળા ભરી જવા ટ્રમ્પે તાકીદ કરી છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટીકટોક મામલે કોઈપણ બાંધછોડ કરવા તૈયાર નથી. ટીકટોકનો ૧૦૦ એ ૧૦૦ ટકા હિસ્સો અમેરિકાની કંપની જ ખરીદે તેવી તરફેણ ટ્રમ્પ કરી રહ્યાં છે. ટીકટોકને ખરીદવા માટે માઈક્રોસોફટ સહિતની કંપનીઓ તૈયારીમાં છે. જો કે, ૩૦ ટકા હિસ્સો આપીને છટકી જવાની ગણતરી બાઈટડાન્સની હોવાથી અમેરિકાએ બાઈટડાન્સનો દાવ ઉંધો પાડ્યો છે. ૩૦ ટકાને બદલે આખે-આખી કંપની જ ખરીદવી વધુ સરળ બનશે તેવું અમેરિકાનું કહેવું છે. આ મામલે ટ્રમ્પે કહ્યું હતું કે, માત્ર ૩૦ ટકા ખરીદીને તમે શું કરશો. નામ અને બ્રાન્ડની કિંમત છે. નામ અને બ્રાન્ડનો હવાલો બે અલગ અલગ કંપનીઓ પાસે રહે તો તેનું ભવિષ્ય શું. આ સોદા માટે ૧૫મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. જો આ પહેલા ખરીદી નહીં થાય તો ટીકટોકને તેની દુકાન બંધ કરવી પડશે. ટ્રમ્પે કહ્યું કે, ટીકટોકની માલીકી અમેરિકન કંપની પાસે જ હોવી જોઈએ. સોદો થઈ ગયા બાદ સોદાની એક નિશ્ર્ચિત રકમ અમેરિકન સરકારને મળવી જોઈએ. એકંદરે ડોનાલ્ડ ટ્રમ્પે હવે અબજો રૂપિયા ઢસડી ગયેલી બાઈટડાન્સ-ટીકટોક પાસેથી રકમ ઓકાવવા માંગે છે. નોંધનીય છે કે, બાઈટ ડાન્સ પણ પોતાની વિડીયો શેરીંગ એપ ટીકટોકનું હેડ કવાર્ટર અન્યત્ર ખસેડવા માંગે છે. બાઈટડાન્સ
મુળ ચાઈનીઝ કંપની છે. અલબત ચીન પર આખુ વિશ્ર્વ ભરોષો કરવા તૈયાર નથી. બાઈટ ડાન્સ દ્વારા વિશ્ર્વમાં પથરાયેલા પોતાનો કરોડો યુઝર્સના ડેટા ચીનને આપી દેવાય તેવી દહેશત છે. જો કે, કંપની આ બાબતનો સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યું છે. છતાં પણ હવે કંપની માટે ચીનના હાથ નીચે રહીને ટકવું મુશ્કેલ છે. ચીન બ્રિટનમાં ઈન્ટરનેશનલ હેડ કવાર્ટર બનાવી શકે છે. વૈશ્ર્વિક યુઝર્સને સેવા આપવા માટે અત્યાર સુધી ટીકટોકના કેટલાક હેડ કવાર્ટર અમેરિકામાં હતા જેને હવે ખસેડીને લંડન મોકલી શકાય છે. ટીકટોકની જેમ અગાઉ ૫-જી ટેલીકોમ નેટવર્ક મુદ્દે ચીનની હુવાઈ કંપની ઉપર પણ વિશ્ર્વએ શંકાની દ્રષ્ટિએ જોયું હતું. અમેરિકા અને બ્રિટન સહિતના દેશો હુવાઈના પગપેસારાને રોકવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારબાદ હવે ચીનની બાઈટડાન્સનો મુદો ગાજ્યો છે. ભારતે પ્રતિબંધ મુકવા બાદ સમગ્ર વિશ્ર્વએ પણ નાગરિકોના ડેટા મુદ્દે ચિંતીત બની ગયું છે.