જામનગરના સિક્કા પાટિયા પાસે આવેલા ગોડાઉનમાંથી એલસીબીએ શંકાસ્પદ ફર્નેશ ઓઈલ તથા ડીજી ઓઈલનો જથ્થો પકડી પાડયો છે તે સ્થળેથી ત્રણ શખ્સો પણ બે વાહનો સાથે મળી આવ્યા છે. એલસીબીએ શક પડતી મિલકત તરીકે ઉપરોક્ત ચીજવસ્તુઓ કબજે કરી તપાસન ઘનિષ્ઠ બનાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટિયા પાસે એક ગેરેજની પાછળ ગોડાઉન ધરાવતા શખ્સ દ્વારા શંકાસ્પદ ફર્નેશ ઓઈલનું વેચાણ કરાતું હોવાની બાતમી એલસીબીના રામદેવસિંહ, નિર્મળસિંહ બી. જાડેજા, કમલેશ ગરસરને મળતા પીઆઈ આર.એ. ડોડિયાને તેનાથી માહિતગાર કરાયા પછી ગઈકાલે એલસીબીનો કાફલો સિકકા પાટિયા નજીક લાડા હોટલ પાસેના ગેરેજ બાજુમાં ગોડાઉનમાં ત્રાટક્યો હતો.
સિક્કામાં રહેતો બશીર સતાર મુલા નામનો શખ્સ તે સ્થળેથી મળી આવ્યો હતો. જ્યારે દાહોદ જિલ્લાના બોરખેડા ગામનો ટેન્કર ડ્રાઈવર ચીમન સનાભાઈ માવી તેમજ જામનગરનો સુરેશ હરદાસ ભારાઈ નામનો શખ્સ પણ જોવા મળ્યા હતા.
એલસીબીએ ગોડાઉનની તલાશી લેતા બે બેરલમાં ભરેલું અઢીસો લીટર ફર્નેશ ઓઈલ, વીસ ટન ફર્નેશ ઓઈલ સાથેનું જીજે-૬-એટી ૬૮૨૯ નંબરનું ટેન્કર તેમજ જીજે-૧૦-ડબલ્યુ ૩૮૭૩ નંબરના રિક્ષા છકડામાંથી સાડા ચારસો લીટર ડીજી ઓઈલ સાંપડયું હતું. એલસીબીએ ટેન્કર, છકડો તેમજ ઓઈલનો જથ્થો મળી કુલ રૃા.૨૪,૮૧,૦૦૦નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે ઝબ્બે લઈ બશીર, ચીમન તેમજ સુરેશ ભારાઈની પૂછપરછ આરંભી છે જેમાં બશીર સતારભાઈ નામનો શખ્સ રાજકોટના યુવરાજસિંહ રવુભા ચુડાસમા સાથે આ ધંધો કરતો હોવાની વિગતો મળી છે.
એલસીબીએ તપાસને ઘનિષ્ઠ બનાવી છે. આ કાર્યવાહીમાં પીઆઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એમ. લગારિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજીભાઈ પટેલ, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, શરદ પરમાર, રામદેવસિંહ ઝાલા, દિલીપ તલાવડિયા, હરદીપ ધાધલ, કમલેશ ગરસર, પ્રતાપભાઈ ખાચર, દિનેશ ગોહિલ, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, બળવંતસિંહ પરમાર, અરવિંદગીરી તથા એ.બી. જાડેજા સાથે રહ્યા હતા.