ડીઆરઆઈની ટીમે મહિલા સહિત બે શખ્સોને દબોચી લીધા: હેરોઇનનો જથ્થો વિજયવાડા થઈ દિલ્હી જવાનો હતો
મુન્દ્રામાં થોડા દિવસ પહેલા જ અફઘાનિસ્તાનથી ટેલકન પાવડરની આડમાં આવેલા બે કન્ટેનરની તલાશી લેતા તેમાંથી ૨૫૦૦ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ ડીઆરઆઈ દ્વારા બંને કન્ટેનરની તપાસ કરતા આ જથ્થો ૩૦૦૦ કિલો સુધી પહોંચવાની આશંકા દેખાઈ રહી છે. તો બીજી તરફ ડીઆરઆઈની ટીમને મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનના બંને કન્ટેનરોની તાપસ કરતા તેમાંથી હજારો કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. જેની આંતરાષ્ટ્રીય બજારમાં રૂ.૧૦,૦૦૦ કરોડ જેટલી કિંમત આકવામાં આવી રહી છે. જો કે ડીઆરઆઈ એફએસએલ દ્વારા રિપોર્ટ રજૂ કર્યા બાદ જ આ જથ્થાની સાચી કિંમત બહાર પાડવામાં આવશે.
ડીઆરઆઈ દ્વારા હજારો કિલો જથ્થો કન્ટેનરમાંથી કંડલા કસ્ટમના સ્ટ્રોંગરૂમમાં જમા કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જંગી જથ્થો વિજયવાડા થઈને દિલ્હી પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. બે કન્ટેનરોમાંથી ૩૦૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો સિઝ કરીને કંડલા કસ્ટમ હાઉસમાં રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ વિજયવાડાની આશી ટ્રેન્ડિંગ નામની કંપનીએ આ જથ્થો મગાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
તે દરમિયાન બીજી તરફ દેશની સુરક્ષા અને ગુપ્તચર એજન્સી દ્વારા પણ આ મામલે બાજ નજર રાખવામાં આવી રહી છે. જેથી દેશના કેટલાક મહાનગરો જેમ કે કચ્છ, અમદાવાદ, મુંબઈ, ચેન્નાઇ અને દિલ્હીમાંથી હેરોઇનના વ્યાપાર સાથે સંકળાયેલી ચેઇનને શોધવાના પ્રયાસો કરી રહ્યા છે. જેમાં હાલ એક મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.