ભાદરવી મહાકુંભ પૂર્ણ થતાં જ યાત્રાધામ અંબાજીમાં ચાલી આવતી પરંપરા મુજબ પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. જેને લઇ મંદિર શુક્રવારે બપોરે એક વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. ભાદરવી પૂનમનો મહાકુંભ અને શ્રદ્ધાળુઓનો મેળાવડો પૂર્ણ થયા બાદ રજવાડાના સમય એટલે કે અઢીસો વર્ષ પૂર્વેથી ચાલી આવતી પરંપરા મુજબ અંબાજી નીજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી.
જ્યાં માતાજીના વિવિધ અલંકારો, સવારીઓ, પૂજન સામગ્રીનો વિવિધ સામાન, યંત્ર સહિત મંદિર ગર્ભગૃહ અને પરિસરની સફાઈ કરવામાં આવી હતી. કોટેશ્વરમાં અસ્ખલિત વહેતી સરસ્વતીના નિર્મળ નીર દ્વારા પ્રક્ષાલન વિધિ બાદ માતાજીને શણગારને રાત્રિ દરમિયાન મહા આરતી કરી, શનિવારે દર્શનાર્થીઓ માટે મંદિર પૂર્વવત કરાયું છે.
આ અંગે અમદાવાદથી પ્રક્ષાલન અર્થે આવેલ ચોક્સી પરિવારના જણાવ્યા મુજબ ભાદરવી દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ મા ના દર્શનાર્થે આવતા હોઈ માતાજીની પવિત્રતા જળવાઈ રહે તે માટે દાંતા સ્ટેટ સમયથી પ્રક્ષાલન વિધિ કરવામાં આવી રહી છે. અઢીસો વર્ષથી ચાલી આવતી પરંપરામાં તેમની પેઢીદર પેઢી દ્વારા પ્રક્ષાલન કરવામાં આવે છે. જોકે સ્ટેટ સમયે આ અંગે 5 રૂપિયા મહેનતાણું ચૂકવાતું હતું.
પરંતુ હવે ટ્રસ્ટ દ્વારા 50 રૂપિયા ચૂકવાય છે. જોકે આ અંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મહેનતાણાનું મહત્વ નથી પરંતુ માતાજીની સેવા કરવાનું આ એક સૌભાગ્ય છે. આ વિધિમાં માતાજીના અલંકારો સફાઈ દરમિયાન ઘસાઈ જાય તે માટે પહેલાના સમયમાં રાણી સિક્કા અને ત્યાર પછી અમારા પરિવાર દ્વારા સોનાની પૂતળી (પેન્ડલ) માતાજીના હારમાં ઘસાઈ પેટે ઉમેરવામાં આવે છે.