મ્યુકરમાઇકોસિસના દર્દીઓને લીપોસોમોલ એમ્ફોટેરીસીન-બીના ઇન્જેક્શન માટે દર્દીની જરૂરી વિગતો કલેક્ટર તંત્ર સુધી પહોંચાડવાની રહેશે, કલેક્ટર તંત્રની મંજૂરી મળ્યા બાદ હોસ્પિટલને ઇન્જેક્શન મળી જશે
હેલ્પલાઇન નંબર
- 9499804038
- 9499806828
- 9499806486
- 9499801338
- 9499801383
કોરોનાની બીજી ઘાતક લહેરમાં રાહત બાદ મ્યુકર માયકોસિસ મહામારી દિન પ્રતિદિન આગળ વધી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજ નવા 30 દર્દી સારવાર અર્થે આવી રહ્યા છે અને કુલ 450 થી વધુ દર્દી માત્ર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેવામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને મ્યુકર માયકોસિસ ની સારવારમાં ઇન્જેક્શન માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અનેક ફરિયાદો બાદ આજે જિલ્લા કલેકટર દ્વારા લીપોસોમોલ એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શન માટે હેલ્પલાઇન નંબર જાહેર કરી ખાનગી હોસ્પિટલ દ્વારા જ કંટ્રોલ રૂમ ખાતેથી ઇન્જેક્શન મેળવવા નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની સારવારમાં રેમડેસીવીર બાદ હવે મ્યુકોર માયકોસિસ ની સારવારમાં વપરાતા લીપોસોમોલ એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શન ની અછત અને કાળા બજારી અટકાવવા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા મુજબ , ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકર માયકોસિસના દર્દીઓને લીપોસોમોલ એમ્ફોટેરીસીન-બી ના ઇન્જેક્શન મેળવવાની કાર્યવાહી દર્દીઓને સારવાર આપતી ખાનગી હોસ્પિટલ દ્વારા કરવાની રહેશે. લીપોસોમોલ એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શન મેળવવા માટે હોસ્પિટલ દ્વારા ઇન્ડેક્ટ ફોર્મ તેમજ જરૂરી આધાર પુરાવા કુંડલીયા કોલેજ ખાતે રજૂ કરવાના રહેશે.
જેની ચકાસણી તબીબી તજજ્ઞો સમિતિ દ્વારા કરવામાં આવશે. જે ચકાસણી બાદ સમિતિ દ્વારા હોસ્પિટલને ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે. દર્દીઓની મુશ્કેલી ને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે જેમાં તંત્ર દ્વારા નિયમ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.