આ યાદી કેન્દ્ર સરકાર અને રાજય સરકારોને મોકલી કાર્યવાહીની માંગ
અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા ડેરા પ્રમુખ રામ રહિમ સહિત ૧૪ બોગસ બાબાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આસારામ અને રામપાલ, રાધેમા સહિતના પાખંડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અખાડાના સંતો દ્વારા એક પરિષદ અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ૧૩ અખાડાઓના પ્રમુખો જોડાયા હતા.હરિયાણામાં સિરસા સ્થિત ડેરા સચ્ચા સોદાના પ્રમુખ અદાલતમાં બળાત્કારમાં દોષી હોવાનું સામે આવ્યા બાદ હરિયાણા સહિત ઘણા રાજયો હિંસાથી પ્રભાવિત થયા હતા. ત્યારે અખાડાના સંતોએ એક પરિષદ યોજી યાદી બહાર પાડવામાં આવી છે. મહંત નરેન્દ્રગિરીના જણાવ્યા પ્રમાણે તેઓ આ યાદી કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને વિપક્ષી દળોને સોંપશે અને આવા ધૂતારાઓ વિરુધ્ધ કાર્યવાહી સ્વ‚પ પગલા ભરવા માટે અપીલ કરશે. આ માટે એક આવેદનપત્ર પાઠવવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આવેદનપત્ર અંતર્ગત સરકાર પાસે એક કાયદો ઘડવાની માંગ કરશે.જેથી આવા બોગસ બાબાઓ પર નિયંત્રણ રાખી શકાય, આવા બાબાઓ કોઈપણ સંપ્રદાયના નથી અને સાધુ-સંતોને કલંકિત કરવાનું કાર્ય કરી રહ્યાં છે.