રાજકોટનો વિસ્તાર અને વસતી સતત વધી રહી છે. જેની સામે જળાશયોની સંખ્યામાં કોઇ વધારો થતો નથી. સૌરાષ્ટ્રનું પાટનગર અને વિશ્ર્વાના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં સ્થાન ધરાવતું રાજકોટ શહેર પાણી પ્રશ્ર્ને સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત જૂન-જુલાઇમાં શહેરની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો છલકાઇ ગયા હતા. છતાં હવે સરકાર પાસે સૌની યોજનાનું પાણી માંગવાની ફરજ પડી છે. શહેરની જીવાદોરી ગણાતો આજી ડેમ હવે માત્ર એક મહિનાનો મહેમાન છે. દિવાળી પછી તરત આજી ડૂકી જશે. દરમિયાન કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત 2400 એમસીએફટી પાણીની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
15 નવેમ્બરથી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 1800 એમસીએફટી અને 15 માર્ચ 2024થી ન્યારી-1 ડેમમાં 600 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા સરકારમાં પત્ર લખાયો
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે નર્મદા જળ સંપતિ તથા કલ્પસર વિભાગના સચિવને તાજેતરમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી-1 ડેમની કુલ સંગ્રહશક્તિ 917 એમસીએફટીની છે. ડેમની ઉંડાઇ 29 ફૂટની છે. હાલ ડેમની જીવંત સપાટી 24.57 એમસીએફટીની છે અને ડેમમાં કુલ 640 એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ માટે ડેમમાંથી 142 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આજી ડેમ હવે 15 નવેમ્બર સુધી સાથ આપી શકે તેમ છે. જ્યારે ન્યારી-1 ડેમની કુલ ઉંચાઇ 25.10 ફૂટ અને સંગ્રહશક્તિ 1248 એમસીએફટીની છે. હાલ ડેમની જીવંત સપાટી 23.78ની છે. ડેમમાં 1117 એમસીએફટી સંગ્રહિત છે. વિતરણ માટે રોજ 95 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. ન્યારી ડેમ 31 માર્ચ-2024 સુધી સાથ આપશે. જ્યારે ભાદર-1 ડેમની કુલ સપાટી 34 ફૂટની છે. હાલ ડેમની જીવંત સપાટી 32.70 ફૂટ છે અને ડેમમાં 6031 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ 31 ઓગષ્ટ, 2024 સુધી ચાલશે.
પત્રમાં વધુમાં જણાવ્યું આજી-1 ડેમ ડેડ વોટર ખાતે આવેલ ફ્લોટીંગ બાર્જ માઉન્ટેડ એચ.સી.એફ પમ્પના વર્ટીકલ કોલમ પાઇપ લંબાવીને દૈનીક 82 એમ.એલ.ડી રો-વોટર મેળવવાનું રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ આજી-1 ડેમના વાલ્વ ટાવર પરથી ગ્રેવીટી દ્વારા આજી પમ્પ હાઉસના સંપમાં દૈનીક 60 એમ.એલ.ડી રો-વોટર મેળવી પમ્પીંગ દ્વારા આજી ફિલ્ટર પર ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં આજી-1 ડેમની પાણીની સપાટીનું લેવલ ઘટવાથી ગ્રેવીટી દ્વારા આજી પમ્પ હાઉસ ખાતે મળતા પાણીના જથ્થામાં ક્રમશ ઘટાડો થાય જેની સીધી અસર દૈનીક 20 મીનીટ પાણી વિતરણ વ્યવસ્થા પર થવા પામે.
ન્યારી-1 ડેમમાં હાલ 1117 એમ.સી.એફ.ટી જળ જથ્થો ઉપલબ્ધ છે, જે આગામી તા.31/3/2024 સુધી દૈનીક 5.50 એમ.સી.એફ.ટીના ઉપાડ અનુસાર ચાલશે. ત્યારબાદ તા.1/4/2024 થી તા.31/7/2024 સુધીના 04 માસ માટે અંદાજે 600 એમ.સી.એફ.ટી.ના વિશેષ જળ જથ્થાની આવશ્યકતા સૌની યોજના મારફતે રહેશે.
આગામી સમયમાં રાજકોટ શહેરની વિતરણ વ્યવસ્થામાં ખામી ન સર્જાય અને સુચારૂ રૂપે જાળવી શકાય તેમજ ચોમાસુ ખેંચાય અને ડેમમાં પાણીની આવક ન થાય તેવા સંજોગોમાં જુલાઇ-2024 સુધી પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે 2400 એમ.સી.એફ.ટી.નો કુલ જળ જથ્થો આપવા વિનંતી, જે પૈકી આજી-1 માં 1800 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો તા.15/11/2023 થી તથા ન્યારી-1 માં 600 એમ.સી.એફ,ટી પાણીનો જથ્થો તા.15/3/2024 થી ફાળવવામાં આવે તેવું પત્રમાં જણાવાયું છે.