અમદાવાદ ધોરીમાર્ગ ઉપર કૂવાડવા નજીક આવેલા હિરાસર ગામે આકાર લઈ રહેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બધા ક્લીયરન્સ મળી ચૂક્યા છે અને હવે ગમે ત્યારે ખાતમુહૂર્તની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે એરપોર્ટની કેટલીક વિશેષતાઓ અંગે વિગતો પ્રાપ્ત થાય છે.
ત્રણ જિલ્લાના સિમાડે આકાર લઈ રહેલું આ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. આગામી દિવસોમાં દેશના મોટા એરપોર્ટમાં રાજકોટના હિરાસર એરપોર્ટનું પણ નામ ઉમેરાઈ જશે. સીધી આંતરરાષ્ટ્રીય સેવાઓ સૌરાષ્ટ્રના લોકોને મળી રહે તે માટે મોટા વિમાનો ઉતરી શકે તેવો રન-વે બનાવવામાં આવી રહ્યો છે. નોર્થ વેસ્ટ સાઈડના આ રન-વે માટે હવામાનના વર્ષોના ડેટાનું સુક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની જમીનનો એરપોર્ટ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હિરાસર એરપોર્ટમાં એક તરફ રાજકોટ, બીજી બાજૂ સુરેન્દ્રનગર અને ત્રીજી તરફ મોરબી જિલ્લાની સરહદો આવશે. બાજુમાંથી રાજકોટ- અમદાવાદનો નેશનલ ધોરીમાર્ગ પસાર થઈ રહ્યો છે. ચાર માર્ગી આ રસ્તાને સિક્સ લેન બનાવવા માટે સરકારે જાહેરાત કરી છે અને કામગીરી પણ આગળ ઝડપથી ધપાવવામાં આવી રહી છે.
મુસાફરો માટે ખાસ ડોમ ઉપરાંત કાર્ગો માટે પણ આ એરપોર્ટ ઉપર ખાસ સુવિધાઓ આકાર લેવાની છે. સૌરાષ્ટ્રમાંથી નિકાસ થતી ચીજ વસ્તુઓ માટે આ એરપોર્ટ આશીર્વાદરૂપ બનવાનું છે. એગ્રી કોમોડીટીની ઝડપથી બગડતી આઈટમો આ એરપોર્ટના કારણે વિદેશમાં નિકાસ કરવાનું શકય બનશે. ફળ, ફુલ, સી-ફૂડની આઈટમો પણ ઝડપથી નિકાસ થઈ શકશે.
રાજકોટ એરપોર્ટનો ઉપયોગ યુદ્ધ કે અન્ય કોઈ આપાતકાલીન સ્થિતિમાં એરફોર્સના વિમાનો માટે પણ કરી શકાશે. હાલ જામનગરમાં એકફોર્સનો બેઝ છે ત્યાંથી રાજકોટમાં પણ એરફોર્સના ફાઈટર વિમાનો ઉપરાંત ખુબ જ વિશાળ એવા એન.32 કાર્ગો પ્લેન માટે પણ કરી શકાશે. હાલ તજજ્ઞો ડોમ, લોન્જ, હવાઈપટ્ટી જેવા ભાગો ઉપર કામ આગળ ધપાવી રહ્યાં છે. આ કામ ત્રણેક વર્ષ ચાલે તેમ હોવાથી પ્રથમ તબક્કે કામ કરવા આવનારા ટેકનીશ્યનો માટે હંગામી આવાસ પણ ઉભા કરવામાં આવનાર છે. સરકારે રાજકોટ એરપોર્ટ માટે 2500 કરોડ જેવી રકમ ખર્ચવાની તૈયારીઓ કરી છે. આ માટે વિધીવત જાહેરાત આગામી માસમાં કરવામાં આવનાર છે.