- કેમિકલ કાંડની બરવાળા અને રાણપુરની તપાસ સ્ટેટમોનિટરીંગના નિલિપ્ત રાય, ધંધૂકાની તપાસ એસપી જ્યોતી પટેલને સોંપાઇ
- કેમિકલના લાયસન્સ ધારકો સાથે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ બેઠક યોજીશે
ધંધૂકા અને બરવાળા ખાતે ઝેરી કેમિકલના કારણે 55થી વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સરકાર હરકતમાં આવી વિવિધ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કેમિકલના લાયસન્સ ધારકો સાથે બેઠક યોજી દુધનું દુધ અને પાણીનું પાણી કરવા ઝેરના ‘પારખા’ કરશે.
કેમિકલ કાંડના કારણે બોટાદ અને અમદાવાદના અનેકના મોત થતા સરકાર દ્વારા સમગ્ર ઘટનાના મુળ સુધી પહોચી સત્ય બહાર લાવવા વિવિધ તપાસ ટીમની રચના કરી છે. જેમાં બરવાળા અને રાણપુરમાં બનેલી કમનશીબ ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિલિપ્ત રાયને સોપવામાં આવી છે. જ્યારે ધંધૂકાની તપાસ એસપી જ્યોતિ પટેલને સોપવામાં આવી છે.
અમદાવાદ પંથકમાં કેમિકલના વેચાણ અને વપરાશ અંગેના લાયસન્સ ધરાવતી ઘણી ફેકટરી હોવાથી તેઓને કંઇ પ્રકારનું લાયસન્સ આપવામાં આવ્યું છે. અને તેના નિયંત્રણ અંગેની ચર્ચા કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લાયસન્સ ધારકો સાથે બેઠક યોજવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા સીટની રચના કરી અધ્યક્ષ તરીકે સુભાષ ત્રિવેદીની નિમણુક કરવામાં આવતા તેમના દ્વારા રજુ કરાયેલા પ્રાથમિક રિપોર્ટના આધારે કેમિકલકાંડના બોટાદ એસપી અને અમદાવાદ ગ્રામ્ય એસપીની તાકીદની અસરથી બદલી કરાયા બાદ બે ડીવાય.એસ.પી, બે પીઆઇ અને બે પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એલસીબી અને એસઓજીના એક ડઝન જેટલા પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.