કોન્ટ્રાકટ ફાર્મિંગ બીલમાં ખેડૂતોની જમીન ઝુટવાઈ જવાની અફવા ગેરમાર્ગે દોરનારી
ખેડૂતોના ખળામાં પાકતી ‘પેદાશ’ જરા પણ બગડવા નહીં દેવાય, તેના માટે વડાપ્રધાન સતત પ્રયત્નશીલ: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિધેયક પારીત કરી દેશના ખેડૂત અને ખેતીની દશા અને દિશા બદલવાના શરૂ કરેલા અભિયાન સામે કૃષિ વિધેયક અંગે ફેલાયેલી ગેરસમજ અને વિરોધની આજે રાજકોટ ખાતે આવેલા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ યોજાયેલી પત્રકાર પરિષદમાં સવિસ્તારપણે ‘ચોખવટ’ સાથે જણાવ્યું હતું કે, ખેડૂતોના ઉદ્ધાર અને ખેતીને આધુનિક બનાવવાની કવાયત માટે લવાયેલા કૃષિ વિધેયકમાં ક્યાંય ખેડૂત પાસેથી કોઈ વસ્તુ છીનવવાની વાત નથી. સરકાર ખેડૂતોને કંઈક દેવા માંગે છે. તેમ જણાવી કૃષિ મંત્રીએ કોન્ટ્રાકટ ફાર્મિંગ અને એપીએમસી એકટ અંગે પ્રવર્તતી ગેરસમજ અંગે ફોડ પાડતા જણાવ્યું હતું કે, કૃષિ વિધેયક અંગે કેટલીક ગેરસમજણ પ્રવર્તે છે જેમાં પ્રથમ કોન્ટ્રાકટ ફાર્મિંગમાં ખેડૂતોની જમીન છીનવાઈ જશે. ખેડૂતો બંધવા મજૂર બની જશે. આ વાત પર કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, હું આ વાતનું ખંડન કરૂ છું, બીલમાં ક્યાંય જમીનનો મુદ્દો છે જ નહીં, આ વિધેયકમાં વેપારી, કરાર, ખેત પેદાશ, કિંમત, સમય, મુદતનો જ ઉલ્લેખ છે. ખેડૂતોની જમીન આ વચ્ચે ક્યાંય આડે આવતી નથી. કોન્ટ્રાકટ ફાર્મિંગથી ગ્રામ્ય અર્થતંત્ર સુધરશે. નાના-નાના ખેડૂત જે ટૂંકી જમીનમાં ખર્ચ, રોકાણ ન કરી શકે તેવા સેંકડો ખેડૂતો એક સાથે મળીને ચોક્કસ વસ્તુની ખેતી અને તેનું વેંચાણ કરી શકે તેની જોગવાઈ છે તેનાથી ખેડૂતોને લાભ છે.
એપીએમસી બીલના સુધારા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમનો માલ ગમે ત્યાં વેંચવાની છુટ છે. એપીએમસી સેસ ઉઘરાવે છે તે વ્યવસ્થાથી કેટલાક પ્રશ્ર્નો ઉભા થયા છે. નવા કાયદામાં ખેડૂતો પાસેથી સીધો માલ વેંચી શકાશે. ટેકાના ભાવ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારના દરેક કાયદાનો ગેરપ્રચાર કરવામાં આવે છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, નાગરિક સુધારા બીલમાં પરદેશી નાગરિકોને નાગરિકતા આપવાની વાત હતી,તેની સામે પ્રચાર એવો કરવામાં આવ્યો કે, દેશના મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ જશે. કૃષિ બીલમાં પણ ખેડૂતોને લૂંટી લેવાનો અપ્રચાર થાય છે. ખરેખર સરકાર ખેડૂતોને કંઈક દેવા મહેનત કરી રહી છે.
કૃષિ મંત્રીએ લઘુતમ ટેકાના ભાવ પર ખેલાતા રાજકારણ અંગે ચોખવટ કરી હતી કે, આ પ્રથા વડાપ્રધાન મનમોહનસિંગની સરકારની કવાયતથી શરૂ થઈ છે. તેમણે એક પંચની ભલામણ મળી હતી કે, ખેડૂતોના ખર્ચની લગાત લગાવ્યા બાદ ૫૦ ટકાના દરે લઘુતમ ટેકાના ભાવ નક્કી થવા જોઈએ. નરેન્દ્ર મોદી સરકારે આ પંચની ભલામણનો અમલ કરાવવા કવાયત કરી છે ત્યારે જે લોકોએ આ કાયદાની વ્યવસ્થાની માંગ કરી છે તે જ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. એપીએમસી સુધારામાં પણ આવું જ થાય છે. સ્વામીનાથન સમીતીની ભલામણના આધારે ટેકાના ભાવનો કાયદો બનાવવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ‘અબતક’ દ્વારા પુછવામાં આવેલા ભારતમાં નાશવંત જણસની ટકાવારી ૩૦ થી ૩૫ ટકા રહે છે જ્યારે વિકાસશીલ દેશોમાં આ ટકાવારી ૧ થી ૨ ટકા રહી છે તેની ભારતમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે ? મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન થી શરૂ થયેલી કાર્યવાહીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે આર્થિક સુધારાઓ, ટેકનોલોજીનો આવિષ્કાર, દરેક ખાતેદારના ખાતામાં વચ્ચેટીયાઓની માથાકૂટ વગર ૬ હજારની રકમ જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેવી જ રીતે ખેડૂતોનો માલ બગડે નહીં, સચવાય જાય, ખળામાં પાકતી પેદાશના પુરેપુરા દામ ખેડૂતોને મળે તે માટે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજની શૃંખલા ઉભી કરવામાં આવી છે. રાજકોટના પડધરી તાલુકામાં એક ખેડૂતો આ અંગેની યોજનામાં લાભ લઈને યોજનાનો પ્રારંભ કરાવ્યો હોવાનું જણાવી મંત્રીએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ખેડૂતોની નાશવંત જણસની ટકાવારી શુન્ય સુધી લઈ જવાશે.
પુરૂષોત્તમભાઈ રૂપાલાએ હાલની પરિસ્થિતિમાં દેશમાં ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવાની કોઈ જરૂરીયાત ન હોવાનું જણાવી તમામ ખેડૂત વર્ગને અપીલ કરી હતી કે, નરેન્દ્ર મોદી સરકાર ખેતી અને ખેડૂતના હિતમાં કામ કરી રહી છે. કૃષિ સંલગ્ન બન્ને વિધેયકમાં ખેતી અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં જ કામ થઈ રહ્યું છે. ખેડૂતોને કોઈ પણ ગેરપ્રચારમાં ન દોરાય ખેડૂતો સમર્પિત મોદી સરકારને મજબૂત કરવા અપીલ કરી છે.
ભારતમાં ખેતી મોસમ આધારિત અને અનિશ્ચિત ઉત્પાદન આપતું ક્ષેત્ર હોવાથી તેને ઔદ્યોગિક દરજ્જો આપી ન શકાય: પરસોત્તમભાઈ રૂપાલા
કૃષિપ્રધાન ભારતમાં ખેતી પરંપરાગત રીતે વિકાસના પંથે છે દેશ કૃષિપધાન દેશની ઓળખ મળી છે ખેતી અર્થતંત્રનો મુખ્ય આધાર છે પરંતુ વિશાળ દેશ-પ્રદેશ અને અલગ-અલગ આબોહવાના કારણે ભારતની ખેતી સંપૂર્ણપણે મોસમ આધારિત છે ખેતીની આવક અને પ્રવૃત્તિમાં નિશ્ચિત માપ દંડ રાખવોશક્ય નથી આવક અને ઉત્પાદન નિશ્ચિત ન હોય તેવા ક્ષેત્રને ઉદ્યોગ દરજ્જો ન આપી શકાય ભારતમાં ખેતી સંપૂર્ણપણે કુદરતી ઉપર આધારિત છે. અહીં
ખેતીનો વિકાસ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે પરંતુ ઉદ્યોગનો દરજ્જો આપવાની હાલ લાંબા સમય સુધી જરૂરિયાત દેખાતી નથી કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.