અબતક,રાજકોટ
અબજો રૂપીયાનો નફો રળતી ઓઈલ કંપનીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી માર્જીનમાં એક પૈસાનો પણ વધારો ન કરતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડિલર્સ એસોસીએશનના નેજા હેઠળ ગુજરાતમાં ચાર હજારથી વધુ પેટ્રોલ પંપનાં સંચાલકો દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. આજે સતત ત્રીજા ગૂરૂવારે નો પરચેઝ આંદોલન યથાવત રાખવામાં આવ્યું હતુ. બપોરે એક કલાક માટે સીએનજીનું વેચાણ પણ બંધ રાખવામાં આવ્યું હતુ. જોકે પેટ્રોલ પંપના સંચાલકોનાં આંદોલનથી ઓઈલ કંપનીઓ પર કોઈજ અસર પડતી ન હોય તેવું લાગી રહ્યું છે.
ઓઈલ કંપનીઓ દ્વારા ડિલરોને પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ.3, ડીઝલમાં પ્રતિલીટર રૂ.2 અને સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1.50 કમિશન આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી કમિશનના દરોમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ ઈંધણના સતત વધી રહેલા ભાવોનાં કારણે વેંચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. અને ખર્ચાઓ વધી રહ્યા છે. માર્જીન વધારવાની માંગણી કરવા છતા ઓઈલ કંપનીઓ દ્વારા કોઈ જ પ્રકારની માંગણી સ્વીકારવામાં આવતી ન હોય ગત 12 ઓગષ્ટથી રાજયભરમાં પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જેમાં ગુરૂવારે પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ખરીદવામાં આવતો નથી અને બપોરે 1 થી2 એમ એક કલાક માટે સીએનજીનું વેચાણ પણ બંધ રાખવમાં આવે છે. ગત ગુરૂવારે રાજયભરનાં પેટ્રોલપંપના સંચાલકો અમદાવાદમાં એકત્રીત થયા હતા અને કાળાવસ્ત્રો ધારણ કરી માર્જીન વધારવાની પોતાની માંગણી વધુ બુલંદ બનાવી હતી.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડિલર્સ એસોસિએશનના સેક્રેટરી ધીમંતભાઈ ઘેલાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતનાં 4 હજાર પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા છેલ્લા બે ગૂરૂવારથી નો પરચેઝ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. છતા હજી સુધી ઓઈલ કંપનીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી જેના કારણે આજે સતત ત્રીજા ગુરૂવારે પણ નો પરચેઝ આંદોલન યથાવત રાખવામાં આવ્યું હતુ અને બપોરે 1 થી 2 એમ એક કલાક સીએનજીનું વેચાણ પણ બંધ રાખવામા આવ્યું હતુ માર્જીન વધારાની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી દર ગૂરૂવારે આંદોલન ચાલુ રાખવામાં આવશે. પેટ્રોલ પંપના ડિલરોના નો પરચેઝ આંદોલનથી વાહન ચાલકોને કોઈ હાલાકી વેઠવી પડતી નથી કારણ કે પેટ્રોલ-ડીઝલનું વેચાણ તો ચાલુ રાખવામાં જ આવે છે. સીએનજીનું વેચાણ પણ માત્ર દિવસમાં એક કલાક જ બંધ રાખવામાં આવે છે.