અગાઉ અનેક નોટિસો ફટકારવામાં આવ્યા બાદ હવે દંડનીય કાર્યવાહીની નોટિસ, એજન્સીનો ખુલાસો જાણ્યા બાદ આકરી કાર્યવાહીના એંધાણ
સમય મર્યાદાથી ત્રણ વર્ષ વધુ વીતી ગયા છતાં કામમાં લોલમલોમ, વાહનચાલકો પરેશાન
રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઇવેના કામમાં ડાંડાઈ કરતી એજન્સી દંડાશે તેવું જાણવા મળ્યું છે. અગાઉ અનેક નોટિસો ફટકારવામાં આવ્યા બાદ હવે દંડનીય કાર્યવાહીની નોટિસ ફટકારાય છે. હવે એજન્સીનો ખુલાસો જાણ્યા બાદ આકરી કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ છેલ્લા 5 વર્ષથી લોલ્મલોલ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષ વિલંબિત થયો છે. વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે પરંતુ હાઈવેનું કામ ક્યારે પૂરું થશે તેની સમય મર્યાદા વિશે કોઈ જાણકારી નથી. પાંચ વર્ષથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેના લીધે હાઈવે પર કેટલાય ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને રસ્તા પણ બ્લોક થયા છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના નેશનલ હાઈવે ડિવિઝન દ્વારા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને નોટિસો ફટકારવામાં આવી છે પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નથી.
નેશનલ હાઈવે ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જિનિયરે 21 ડિસેમ્બર 2022ના રોજ સદ્ભાવ એન્જિનિયર લિમિટેડને ટર્મિનેશન નોટિસ મોકલી હતી. જેમાં ઉલ્લેખ હતો કે, કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારના સુધારા કરવાની તસ્દી લીધા વિના ખરાબ ગુણવત્તાનું કામ ચાલુ રાખ્યું હતું. સાયલા-બામણબોર વિસ્તારનું કામ આ કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. બંને વચ્ચે થયેલા પત્રવ્યવહાર પ્રમાણે, ઓથોરિટીએ કોન્ટ્રાક્ટરની આર્થિક તંગીને માન્ય રાખી હતી. પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે સબ-કોન્ટ્રાક્ટિંગની મંજૂરી આપી હતી અને સબ-કોન્ટ્રાક્ટરને ડાયરેક્ટ પેમેન્ટ કરવાની ગોઠવણ કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે ત્રણ મહિના વેડફ્યા હતા અને ઓક્ટોબર 2022માં ટ્રાય-પાર્ટી અગ્રીમેન્ટ કર્યો હતો.
રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેની ધીમી ચાલતી કામગીરીને લઈને જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ અગાઉ કોન્ટ્રાક્ટરને ખખડાવી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીને ઝડપી બનાવવા
હાઈવે ઓથોરિટીના અધિકારીઓનાં પણ રિવ્યુ લેવામાં આવી રહ્યા છે. અગાઉ અનેક નોટિસો બાદ એજન્સીને દંડનીય કાર્યવાહીની નોટિસ મોકલાય છે.જેમાં તેનો ખુલાસો સાંભળ્યા બાદ તંત્ર દ્વારા તેના ઉપર આકરી કાર્યવાહી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.