અબતક, દુબઈ
ટી -20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની સુપર-12 મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવરમાં અફઘાનિસ્તાને 6 વિકેટે 147 રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે 19મી ઓવરમાં 4 સિક્સ મારી સ્કોર ચેઝ કરી 5 વિકેટથી મેચ પણ જીતી લીધી છે. આ ઈનિંગમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાને 26 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબરની ફિફ્ટી તથા આસિફની બેક ટુ બેક સિક્સે પાકિસ્તાનને મેચ જિતાડી દીધી છે.
ટાર્ગેટ ચેઝ કરતા પાકની શરૂઆત ખરાબ રહી હતી અને મુજીબ ઉર રહેમાને બીજી ઓવરના પહેલા જ બોલ પર મોહમ્મદ રિઝવાનને આઉટ કર્યો હતો. બાબર આઝમ અને ફખર ઝમાને બીજી વિકેટ માટે 52 બોલમાં 63 રન જોડ્યા અને ટીમને મેચમાં પરત લાવ્યા હતા. આ ભાગીદારી મોહમ્મદ નબીએ ઝમાનને 30 રને આઉટ કરીને તોડી હતી. મોહમ્મદ હફીઝ ફરીથી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો અને રાશિદ ખાનની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. રાશિદે તેની બીજી જ ઓવરમાં પાક કેપ્ટન બાબર આઝમને 51 રને આઉટ કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી.ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરતા, અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે પહેલી 5 વિકેટ માત્ર 64 રનમાં ગુમાવી દીધી હતી.
આ ઈનિંગ દરમિયાન હઝરતુલ્લા ઝાઝાઈ 0 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. તેની બીજી જ ઓવરમાં શાહીન આફ્રિદીએ મોહમ્મદ શહજાદની 8 રને વિકેટ લીધી હતી.હરિસ રઉફ પણ પાછળ ન રહ્યો અને અસગર અફઘાનને 10 રને પેવેલિયન ભેગો કર્યો હતો. શાદાબ ખાને નજીબુલ્લાહ ઝદરાનને 22 રને આઉટ કરીને અફઘાનિસ્તાન ની છઠ્ઠી વિકેટ પાડી હતી.અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ કહ્યું કે પિચ ડ્રાય છે અને બેટિંગ માટે સારી લાગી રહી છે.
અફઘાન ટીમે સ્કોટલેન્ડ સામેની તેની છેલ્લી મેચની પ્લેઈંગ-11 માં કોઈ ફેરફાર કર્યો નથી. પાકિસ્તાને પણ પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. પાકિસ્તાનની ટીમે અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. તેણે પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને અને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ સાથે જ અફઘાનિસ્તાનની ટીમે સ્કોટલેન્ડને હરાવ્યું છે.