ગત વર્ષે આરટીઈની પ્રક્રિયા મોડી શરૂ થયા હોવાની ફરિયાદને લીધે આ વખતે પ્રક્રિયા ઝડપથી અને વહેલી શરૂ  કરી દેવામાં આવશે

રાઈટ ટુ એજયુકેશન એકટ (આરટીઈ) અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. ગત વર્ષે આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ સહિત અનેક ગુંચવણોના કારણે રાજયભરમાંથી કુલ ૩૩૮૮૩ બેઠકો ખાલી રહી ગઈ હતી. આ કારણે આ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં આરટીઈ માટેની પ્રવેશ પ્રક્રિયાની કામગીરી આગામી ફેબ્રુઆરી માસથી જ શરૂ કરી દેવામાં આવશે એવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં મોડુ થવાના કારણે એક તરફ રાજયની પ્રાથમિક, ખાનગી શાળાઓમાં ૩૩૮૮૩ સીટો ખાલી પડી હતી તો બીજી તરફ ૨૯૨૮૯ બાળકો શાળાઓમાં આરટીઈ અંતર્ગત પ્રવેશથી વંચિત રહી ગયા હતા. અનેક ગુંચવણો બાદ વાલીઓએ કંટાળી છેવટે અન્ય ખાનગી શાળાઓમાં તેમના બાળકોને પ્રવેશ આપવાની ફરજ પડી હતી.

રાજયભરની શાળાઓમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે મહિનામાં ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે જેના પગલે જૂન-જુલાઈ સુધી પ્રવેશ પ્રક્રિયા ૨ થી ૩ તબકકામાં ચાલે છે. ચાલુ વર્ષે આરટીઈના ફોર્મ વહેલા ભરવાની શરૂઆત કરી દેવામાં આવશે. ગત વર્ષે આરટીઈ અંતર્ગત પ્રવેશ મળવા બાબતે પ્રક્રિયામાં ખૂબ મોડુ થયાની ફરિયાદો ઉઠી હતી જેને લઈ સરકાર દ્વારા આ વખતે વહેલી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.

સરકાર દ્વારા ગુજરાત માધ્યમની ૪૪૦થી વધુ, હિન્દી માધ્યમની ૮૦, અંગ્રેજી માધ્યમની ૨૫૫, ઉર્દુની ૩ અને સીબીએસઈની તમામ શાળાઓને આરટીઈ એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.