ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો

પુત્રના ઉંમરની યુવતી સાથે ક્લાસિસમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો

ગુરુપૂર્ણિમા પર્વ પૂર્વે જ ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો છે. જેમાં જોરાવનગરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતા સંચાલક અને વિદ્યાર્થીનીએ સજોડે ક્લાસિસમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પુત્રના ઉંમરની યુવતી સાથે ક્લાસિસમાં જ જીવન ટૂંકાવતા સમાજ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ રહ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ સાયલાના વતની અને હાલ રતનપરમાં રહેતા દિનેશભાઈ અંબારામભાઈ પુજાણી શિવધારા ક્લાસીસના નામથી ટ્યૂશન ક્લાસ ચલાવતા હતા. તેમને ત્યાં તેમના ઘરની બાજુમાં રહેતી વિદ્યાર્થિની શ્રદ્ધા ધો.૧૦માં ટ્યૂશનમાં આવતી હતી. બંને બાજુબાજુમાં રહેતાં હોઈ અને ક્લાસિસમાં મળતાં હોવાથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

પરંતુ શિક્ષક દિનેશભાઈ પરીણિત હતા અને તેમને સંતાનમાં ૧૯ વર્ષનો પુત્ર હતો અને પોતાની ઉંમર પણ ૪૮ વર્ષની હતી. આથી બંનેનાં લગ્ન શક્ય નહોતાં તથા પરિવારજનો અને સમાજ પણ નહીં સ્વીકારે તેવું માનીને શુક્રવારે બંનેએ ક્લાસીસમાં ધાબાના હૂક સાથે દુપટ્ટા બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પીએસઆઇ એન. એચ. કુરેશી, સ્ટાફના ભરતભાઈ, મેહુલભાઈ, ચમનલાલ સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.\

ટ્યુશનમાં શરૂ થયેલી પ્રેમ કહાનીનો ટ્યુશનમાં જ અંત; પ્રેમી-પ્રેમિકાએ ક્લાસમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

તો બીજી તરફ મૃતક વિદ્યાર્થીની શ્રદ્ધા ઘરેથી નવાં કપડા-ચૂડો પહેરીને આવી હતી. તેવી જ રીતે દિનેશે પણ નવાં કપડાં પહેર્યાં હતાં. બંનેએ હાથમાં નાડાછડી બાંધી હતી. દિનેશે શ્રદ્ધાની માંગમાં સિંદૂર પૂરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. પછી બંનેએ ગળાફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું.

શ્રદ્ધા અને દિનેશે પોતપોતાના પરિવારને સંબોધીને 3 પાનાંની સ્યુસાઈડનોટ લખી હતી. ચિઠ્ઠીની શરૂઆતમાં ‘ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે’, લખ્યું હતું. શ્રદ્ધાએ માતા-પિતા, ભાઈની માફી માગી હતી જ્યારે દિનેશે પત્ની, સંતાનો અને મિત્રોની માફી માગી હતી. બંનેએ લખ્યું હતું કે અમારે મનમેળ થઈ ગયો છે. એકબીજાને મૂકી શકીએ તેમ નથી. અમે એક થઈ શકીએ તેવી કોઈ શક્યતા નથી. અમારી પાસે બીજું કોઈ પગલું નથી. કારણ કે સમાજ અમને સ્વીકારશે નહીં. આથી આ અંતિમ પગલું ભરીએ છીએ. સમાજ થોડો સમય વાતો કરશે. અમે આ ભૂલ કરીએ છીએ અમારાં અરમાન પૂરાં થાય તેમ નથી એટલે આ છેલ્લું પગલું ભરીએ છીએ. અમને માફ કરી દેજો.

શ્રદ્ધાએ પરિવારને સંબોધીને એવું પણ લખ્યું હતું કે મારાં લગ્ન બીજે કરવાના તમારા કોડ હતા પરંતુ મારે બીજે લગ્ન કરવાં નથી. તમે મારી ઉપર શંકા કરતા હતા પરંતુ હું ખોટું બોલીને ટાળી દેતી હતી મને માફ કરજો. પછી બંનેએ લખ્યું હતું કે અમે આ જન્મમાં એક ન થઈ શક્યા તો આવતા જન્મમાં એક થઈસુ.

ગુરુપૂર્ણિમા પર્વના થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર ક્લાસિસના સંચાલક અને વિદ્યાર્થીનીએ સજોડે પ્રેમ સંબંધમાં આપઘાત કરી લેતા સમાજમાં પણ ચેતવણી જનક કિસ્સો બની રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.