ફૂડ સિવિલ સપ્લાયર્સ એન્ડ ક્ધઝયુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના અન્ડર સેક્રેટરી તરીકે ફરજ બજાવ્યા બાદ અનીલકુમારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળ્યો
તાજેતરમાં રાજય સરકારે ૬૭ આઈએએસ અધિકારીઓની બદલીનાં ઓર્ડર કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી જી.ટી. પંડયાની પણ બદલી કરવામાં આવી હતી તેમની જગ્યાએ અનિલકુમાર રાણાવશીયાની નિમણુંક કરાઈ હતી આજરોજ અનિલ રાણાવશીયાએ રાજકોટ ડીડીઓનો ચાર્જ સંભાળ્યો છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયાની હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના મેનેજીંગ ડીરેકટર તરીકે બદલી કરવામાં આવ્યા બાદ તેની જગ્યાએ ફૂડ સીવીલ સપ્લાયર્સ એન્ડ ક્ધઝયુમર અફેર્સ ડિપાર્ટમેન્ટનાં અન્ડર સેક્રેટરી અનિલકુમાર રાણાવશીયાને મૂકવામાં આવ્યા છે. આજરોજ જી.ટી. પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેશ મકવાણાની ઉપસ્થિતિમાં અનિલકુમાર રાણાવશીયાએ જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળ્યો છે.
મુલ બનાસકાંઠાના વતની અનિલકુમાર રાણાવશીયા બી.ટેકના અભ્યાસક્રમની ડીગ્રી ધરાવે છે. તેઓએ સૌ પ્રથમ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના નાણાવિભાગમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી ત્યારબાદ તેઓએ ખેડાના આસીસ્ટન્ટ કલેકટર, ઈલેકશન કમિશનમાં ફરજ બજાવી હતી બાદમાં તેઓએ ફૂડ સીવીલ સપ્લાયર્સ એન્ડ ક્ધઝયુમર અફેર્સ ડિપાર્ટમેન્ટમાં અન્ડર સેક્રેટરીનો ચાર્જ સંભાળ્યાને ૨૫ દિવસ બાદ રાજકોટના ડીડીઓનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
અનીલકુમાર રાણાવશીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ જિલ્લાએ ગુજરાતની મહત્વનો વિકસતો વિસ્તાર છે. અહી ૧૧ તાલુકા અને ૬૦૦થી વધુ ગામડાઓ આવેલા છે. સૌ પ્રથમ તો જીલ્લા વિકાસ અધિકારી તરીકે લોકોના શું પ્રશ્ર્નો છે તે જાણવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવશે. બાદમાં તમામ સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્યમાં વસતા છેવાડાના માનવી સુધી પહોચાડવા માટે કવાયત હાથ ધરવામાં આવશે.
સરકારી યોજનાનો લાભ આપવામાં જિલ્લા પંચાયત તંત્ર મહત્વની ભૂમિકા ભજવે તે પ્રકારે આયોજન કરવામાં આવશે. જિલ્લા પંચાયતનો વહીવટ લોકાભીમૂખ રહે અને લોકઉપયોગી કાર્યો થાય તે પ્રકારે આયોજન કરાશે.