શાસક આચાર્ય પક્ષ કોર્ટના ચૂકાદા સામે અપીલ કરશે
જુનાગઢના મોટા સ્વામિનારાયણ મંદિર કે જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણએ પોતાના હાથે જ જૂનાગઢના નવાબ પાસેથી જમીન મેળવીને રાધારમણ દેવનું મંદિર નિર્માણ કરીને જૂનાગઢની આ ધરતીને સ્વામિનારાયણ સંપ્રદાયના કેન્દ્રમાં મૂક્યું હતું, પરંતુ શનિવારે આજ મંદિરમાં આચાર્ય અને દેવ પક્ષ વચ્ચે ચાલી રહેલા રાધા રમણ ટેમ્પલ ટ્રસ્ટના વહીવટી વિવાદ અંગેનો અદાલતનો ચુકાદો દેવ પક્ષના તરફેણમાં આવતાં દેવ પક્ષના પદાધિકારીઓ અને હરિ ભક્તો મંદિરમાં ટ્રસ્ટની ઓફિસનો કબજો લેવા પહોંચી જતા, શનિવારે લાંબી ચર્ચા, ધમાલ બાદ દેવ પક્ષે મંદિરનો કબ્જો સંભાળી લીધો હતો, જો કે, બાદમાં શાસક આચાર્ય પક્ષ અપીલમાં જવાની તૈયારીઓ શરૂ કરી છે.
જુનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં રાધા રમણ ટેમ્પલ ટ્રસ્ટના વહીવટમાં ચૂંટણી પ્રક્રિયાથી વહીવટ ચાલે છે, ગત ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવાદ થયો હતો અને શાસક પક્ષના કેટલાક સભ્યો ગેર લાયક ઠર્યા હતા અને આ મુદ્દો અદાલતમાં પહોંચ્યો હતો, રાધા રમણ ટેમ્પલ ટ્રસ્ટના વહીવટ માટેના આ કાનૂની વિવાદમાં શનિવારે અદાલત દ્વારા વિપક્ષ દેવ પક્ષ તરફ ચુકાદો આપ્યો હતો અને ટ્રસ્ટનો વહીવટ દેવ પક્ષને સોંપવાનો હુકમ કર્યો હતો. આ હુકમના પગલે શનિવારે દેવ પક્ષના રાકેશ પ્રસાદ સ્વામી વ્યવસ્થામાં ચાલેલા આ કાનૂની વિવાદમાં દેવ પક્ષ તરફે ચુકાદો આવતા ચેરમેન તરીકે જેતપુરના સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજીને માન્ય રાખવામાં આવ્યા હતા અને કોઠારી તરીકે દેવનંદન સ્વામીને માન્ય ગણ્યા હતા.
અદાલતનો ચુકાદો આવતાં દેવ પક્ષના પદાધિકારીઓ અને હરિ ભક્તો મોટી સંખ્યામાં મંદિર પહોંચી ગયા હતા, પોલીસ બોલાવવાની નોબત આવી ગઈ હતી, એક તબક્કે હાલના વહીવટકર્તા આચાર્ય પક્ષ અને દેવ પક્ષના હરિભક્તો વચ્ચે સંઘર્ષનું વાતાવરણ ઊભું થયું હતું અને જૂના ટ્રસ્ટીઓને ઓફિસનો કબજો સોંપી દેવા માંગણી કરીને ઓફિસમાં જ પૂરી દીધા હતા.
આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત માટે વ્યવસ્થા ગોઠવી હતી આચાર્ય પક્ષે કોર્ટનો ચુકાદો આવ્યો છતાં આ પ્રશ્ને વહીવટ દેવ પક્ષને સોંપવાનો ઇનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે અદાલતના આ ચુકાદા સામે આચાર્ય પક્ષ અપીલમાં જશે અને અપીલની પ્રક્રિયા પૂરી થાય બાદ આ પ્રશ્ને વહીવટ કોને સોંપવી તે નિર્ણય અદાલત નક્કી કરશે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું.
પરંતુ બાદમાં આ મામલે કાનૂની બાબતો અને સમજાવટ સાથે આચાર્ય પક્ષ દ્વારા દેવ પક્ષને કબ્જો સોંપી દેવામાં આવ્યો હતો.
રાધા રમણ ટેમ્પલ ટ્રસ્ટના વિવાદમાં અદાલતમાં શનિવારે વિપક્ષ દેવ પક્ષના તરફેણમાં ચુકાદો આવતા સમગ્ર સંપ્રદાયમાં ભારે ઉત્તેજના જાગી હતી અને ચુકાદાના પગલે દેવ પક્ષ દ્વારા મોટા સ્વામિનારાયણ મંદિર અને ટ્રસ્ટની ઓફિસનો કબજો સંભાળી લેવામાં આવતા વર્તમાન શાસક આચાર્ય પક્ષએ આ ચુકાદા સામે અપીલમાં જશે તેવું જાણવા મળ્યું છે.