કોરોના મહામારી બાદ ગુજરાતના અર્થતંત્રને પુનઃધબકતું કરવાના ચોક્કસ નિર્ધાર અને આયોજન સાથે અનલોક 1.0માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકાર વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા એક્શન મોડમાં છે. જેના પરિણામ સ્વરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં છેલ્લા સપ્તાહથી બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
ગુજરાતમાં વિકાસના કામોમાં વધુ ઝડપ લાવવાના હેતુથી તેમજ ચાલુ નાણાકીય વષૅ 2020-21ના બજેટમાં સમાવિષ્ટ વિવિધ વિભાગોની મહત્વની યોજના,એકશન પ્લાન અને તેના કામોની પ્રગતિ સંદર્ભે સમીક્ષા કરવા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત સંબંધિત વિવિધ વિભાગોના મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ હતી.
જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં લોકહિતની કઈ કઈ યોજનાઓ તેમજ કયા કયા વિકાસકામોને પ્રાધાન્ય આપવું તેના ઉપર મુખ્યત્વે ભાર મૂકવામાં આવ્યો હતો. તેમને સૂચન કયુઁ હતું કે, વિભાગો પણ લોક કલ્યાણ તેમજ વિકાસ કામોની અગ્રતા પોતાની જરૂરિયાત મુજબ તૈયાર કરીને રજૂ કરે તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ ચાલુ વર્ષના બજેટમાં નવી બાબતોમાં તેમજ કોરોના મહામારીમાં ગુજરાતના લોકોને આથિક સહાય કરતું રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલું મહત્વનું આત્મનિભેર ગુજરાત સહાય પેકેજનો લોકોને ઝડપી લાભ આપવા ઉપર ખાસ ભાર મૂકવા જેવા મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.આ ઉપરાંત બાકી વિકાસ કામો ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા પણ તમામ સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે સવારના સત્રમાં વિવિધ 4 વિભાગોની યોજના-કામોની સમીક્ષા યોજાઈ હતી. જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ,પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ નર્મદા,જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગોની સમીક્ષા યોજાઈ હતી.
રાજયના નાણા વિભાગના સંકલનમાં રહીને યોજાયેલી આ વિવિધ વિભાગોની મહત્વની યોજનાઓ અને કામોની સમીક્ષા અંગેની મેરેથોન બેઠકોમાં સંબંધિત વિભાગના મંત્રીઓ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ,મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના માહિતી સચિવ અશ્વિની કુમાર વગેરેએ ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા.