કહી પે નિગાહે… કહી પે નિશાના…!!!

કે.રાજેશ સામે કાર્યવાહી આગલી સરકારને ટાર્ગેટ કરવાનો માસ્ટર પ્લાન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકરણમાં બધું આયોજન બદ્ધ રીતે થયું છે. ધરપકડના થોડા જ દિવસોમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ છે. હવે જામીન ઉપર કે.રાજેશને છોડી પણ દેવાશે. પરંતુ સનદી અધિકારી હાલ સસ્પેન્સનમાં હોય, ડિસમિસનો ડર બતાવી ઉપરીઓના નામ કઢાવાશે ?

સીબીઆઈએ ગુજરાતના સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર અને 2011 બેચના આઈએએસ અધિકારી કે. રાજેશ અને સુરતના એક વેપારી વિરુદ્ધ ગેરકાયદેસર કામના બદલામાં લાંચ માંગવા બદલ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ આ કેસમાં તપાસ દરમિયાન બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીના જણાવ્યા અનુસાર, કોર્ટમાં જે લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં ગુજરાતના પૂર્વ જિલ્લા અધિકારી રાજેશ અને સુરત સ્થિત કંપની જીન્સ કોર્નરના માલિક મોહમ્મદ રફીક મેમણનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારના અનુરોધ પર, આ કેસ તપાસ માટે નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન આ કેસમાં મહત્વની હકીકતો બહાર આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ કેસમાં 2011 બેચના આઈએએસ અધિકારીએ સુરેન્દ્રનગરમાં ડીએમના પદ પર રહીને અયોગ્ય લોકોને શસ્ત્ર લાઇસન્સ આપવા, સરકારી જમીનની ફાળવણી અને અતિક્રમિત સરકારી જમીનને નિયમિત કરવા સંબંધમાં લાંચની માંગણી કરી હતી, ઉપરાંત આ લાંચ એક વેપારી દ્વારા લેવામાં આવી હતી એવો આરોપ છે.

બધું આયોજન બદ્ધ રીતે થયું   ધરપકડના થોડા જ દિવસોમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ, હવે જામીન ઉપર કે.રાજેશને છોડી પણ દેવાશે : સનદી અધિકારી હાલ સસ્પેન્સનમાં, ડિસમિસનો ડર બતાવી ઉપરીઓના નામ કઢાવાશે ?

સીબીઆઈના જણાવ્યા અનુસાર કેસ નોંધાયા બાદ બંને આરોપીઓના ગાંધીનગર અને સુરત સહિત આંધ્રપ્રદેશના રાજમુન્દ્રી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડીએમની સૂચના પર ખાનગી પેઢીના માલિકના ખાતામાં 98 હજાર રૂપિયાની કથિત લાંચ જમા કરવામાં આવી હતી.એવો પણ આરોપ છે કે આ રકમ ડીએમ દ્વારા માંગવામાં આવેલી લાંચનો એક ભાગ છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે તે કંપનીના માલિકે ડ્રેસ મટિરિયલ વેચવાનો દાવો કરતા ચાર નકલી ઈનવોઈસ તૈયાર કર્યા હતા અને આ ઈન્વોઈસ તૈયાર કરવાનો હેતુ ડીએમને લાંચ મોકલવાનો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન ખાનગી કંપનીના માલિક દ્વારા તપાસ અધિકારીને ચાર ઈનવોઈસ રજૂ કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચારેય નકલી છે.તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે ફેક્ટરીના માલિકે ડીએમને બચાવવા માટે બનાવટી દસ્તાવેજોના ખોટા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવ્યા હતા. આરોપ છે કે આ ખાનગી કંપનીના માલિકે તે કોમ્પ્યુટરનો નાશ કર્યો હતો જેનાથી આ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા, જેથી સીબીઆઈ તપાસ આગળ વધી શકી ન હતી. તપાસ દરમિયાન સીબીઆઈ દ્વારા આ ખાનગી કંપનીના માલિક અને ડીએમ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.