ફરિયાદી અને આરોપીએ સમાધાનની પુરશીષ રજુ કરતા ઝડપી ન્યાયનું ઉદાહરણ પુરુ પાડતી કોર્ટ
શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નં.૨૬માં રહેતા કાર્તિકચંદ્ર પંચગોપાલ આદકના અને પશ્ર્ચિમ બંગાળ ખાતે રહેતા અમિત સાધનભાઈ મુડી બંને એક જ ગામના હોય તેથી કાર્તિક પાસેથી અમિતે રૂ.૧૨ લાખની કિંમતના ૪ સોનાના બિસ્કીટ ઘરેણા બનાવવા માટે આપેલા. જે આજદિન સુધી બિસ્કીટ કે ઘરેણા બનાવી ન આપી કાર્તિકચંદ્ર સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યા હોય જે અંગે ગુન્હો અમિત સામે નોંધાયો હતો.
પોલીસે આ કામના આરોપીને પશ્ર્ચિમ બંગાળથી ધરપકડ કરી આરોપીને ત્રણ દિવસના રીમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરેલો. ત્યારબાદ ફરિયાદપક્ષે તથા આરોપી વચ્ચે સમાધાન થઈ જતા ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલી અને તા.૧૦/૨/૨૦૧૮ના રોજ બન્ને પક્ષકારો હાજર થતા આરોપીની દલીલો તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ઝડપી કેસોના નિકાલના વલણને જોતા બંને પક્ષકારોને સમાધાન પુરશીષ રજુ કરેલું.
આમ ઉપરોકત ફરિયાદીની હકિકતો ધ્યાને લઈ ગુન્હો માફ કરવાની ફરિયાદીની પુરસીસ સ્વીકારવાને પાત્ર છે જો તે પુરસીસ ધ્યાને રાખવામાં આવે તો અન્ય કોઈ વ્યકિતના કોઈ હિતને નુકસાન થતુ જણાતુ નથી.
ઉપરોકત કામમાં આરોપી તરફેની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી અમીત સાધનભાઈ મુડીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ઠરાવેલો હતો.ઉપરોકત કામમાં આરોપીવતી ધારાશાસ્ત્રી અમિત જનાણી રોકાયેલા હતા.