ઉઘરાણીના પ્રશ્ને અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો‘તો વકિલ ભાવિન દફતરીની દલીલ માન્ય રાખતી અદાલત
મોરબી તાલુકાના રવાપર ગામના પ્રૌઢનું ઉઘરાણીના મામલે અપહરણ કરી મોતને ઘાટ ઉતારવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ મોરબી નજીક રવાપર ગામે રહેતા કરશનભાઈ રાકજાનું ગત તા.૧૧/૨/૧૧ના રોજ અપહરણ કરી હત્યા નિપજાવાના ગુનામાં મૃતકના ભાઈની ફરિયાદ પરથી હરેશ ઉર્ફે હકા નારણ જાકસીયા અને ઈશ્વર ઉર્ફે કિશોર લખમણ સતવારા નામના શખ્સ સામે ખુનની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં કરશનભાઈ આરોપી પાસે રૂપિયા માંગતા હોય જે રકમ ચુકવવી ના હોય તે અંગે અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.
કેસની સુનાવણીમાં ફરિયાદપક્ષ દ્વારા કુલ ૫૩ સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા અને આરોપી ઈશ્વર ઉર્ફે કિશોર લખમણનું ચાલુ કેસ દરમ્યાન મૃત્યુ થયું હતું. આ કેસમાં આરોપી હરેશવતી એડવોકેટ ભાવિન એન.દફતરીએ દલીલ કરતાં જણાવેલ કે, હાલના કેસમાં બનાવ બાદ લાંબા સમય બાદ ફરિયાદ લેવામાં આવેલ છે. હાલના કેસમાં ફરિયાદપક્ષ દ્વારા કેસ સાબિત થયેલો નથી.
હાલના કેસમાં એકપણ નજરે જોનાર સાહેદ હતો નહીં જે સાંયોગિક પુરાવા ઉપર ફરિયાદપક્ષ આધાર રાખે છે તે સાંયોગિક પુરાવાઓ એકબીજા સાથે કડી બનાવી સાંકળી શકાય તેવા મતલબના પુરાવા નથી. બચાવપક્ષની સમગ્ર દલીલ તથા રજુ થયેલ ઓથોરીટીઓ ધ્યાને લઈ મોરબીના સેશન્સ જજ રીઝવાના ઘોઘારીએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકેલા છે. આ કામમાં આરોપી હરેશ નારણભાઈ વતી ગુજરાતના પીઢ ધારાશાસ્ત્રી નિરંજનભાઈ દફતરી, ભાવિન દફતરી, નેહા દફતરી, નુપૂર દફતરી, દિનેશભાઈ રાવલ, મુકેશભાઈ કેશરીયા, સંજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મેઘાવીબેન ગજજર, પિનલબેન સાગર, હર્ષભાઈ ભિમાણી, વિક્રાંતભાઈ વ્યાસ તથા અનિલભાઈ ભટ્ટ રોકાયેલ હતા.