માધવપુરમાં ખૂન કા બદલા ખૂન
દારૂના ડખ્ખામાં બે વર્ષ પહેલા થયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલા શખ્સનું ઢીમ ઢાળી પુત્રના મોતનો બદલો લીધો
માધવપુર તાલુકાના બરેજ ગામમાં દારૂના ડખ્ખામાં બે વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનામાં પેરોલ પર આવેલા આરોપીને સરાજાહેર રહેસી નાખી પુત્રના ખુનનો બદલો પિતા સહિત બે શખ્સોએ લઈ ખૂન કા બદલા ખૂનની ઘટના પોલીસ ચોપડે નોંધાતા માધવપુર પીએસઆઈ એસ.ડી.રાણા સહિતના સ્ટાફે બંને આરોપીને સકંજામાં લઈ વધુ કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધવપુર તાલુકાના બરેજ ગામમાં પટેલના ફળીયા પાસે હત્યાના ગુનામાં પેરોલ પર આવેલા વેજા ઉર્ફે ભોભર રામભાઈ પરમાર નામનો યુવાન ગઈકાલે પટેલ ફળીયામાં ભુપતભાઈ ગાંગાના ઘર પાસે હતો ત્યારે ગામના જ જખરા પરબત પરમાર અને ઈકબાલ મૂસા દલ નામના શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે સરાજાહેર રહેસી નાખતા વેજા ઉર્ફે ભાભોરનું મોત નિપજયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા તુરંત ઘટના સ્થળ પર દોડી જઈ વધુ તપાસ હાથધરી છે.
પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વેંજા ઉર્ફે ભાભોરે બે વર્ષ પહેલા સુભાષ જખરા પરમારે મૃતકનું નામ દારૂમાં આપતા વેજા ઉર્ફે ભોભરે સુભાષ પરમારની હત્યા કરી હતી. મર્ડરના ગુનામાં પોરબંદર જેલમાં રહેલો વેજા ઉર્ફે ભોભર માતા બિમાર હોવાથી ૧૫ દિવસ પહેલા પેરોલ પર છુટી ગત બપોરે ગામમાં આંટો મારવા ગયો ત્યારે પટેલના ફળિયા પાસે ભુપતભાઈ ગાંગાના ઘર પાસે હતો ત્યારે સુભાષ પરમારના પિતા જખરા પરમાર અને ઈકબાલ દલ બંનેએ વેજા ઉર્ફે ભોભરને આંતરી તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી રહેસી નાખ્યો હતો. ઘટનાની ગણતરીની કલાકોમાં જ પોલીસે બંને આરોપીને સકંજામાં લઈ વધુ પુછતાછ હાથધરી છે.