સુપ્રીમનો મોટો ચુકાદોઃ આરોપી નેતાઓને ચૂંટણી લડતાં ન રોકી શકાય, ઉમેદવારોની ગુનાહિત માહિતી આપવી જરૂરી
કલંકિત નેતાઓ ચૂંટણી લડી શકે કે નહીં તે અંગેના ભવિષ્ય પર સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો ચુકાદો આપતાં કહ્યું કે ચાર્જશીટના આધારે જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય. ચૂંટણી લડતાં રોકવા માટે માત્ર ચાર્જશીટ જ પૂરતી નથી. એટલે કે સુપ્રીમ કોર્ટે કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. હજુ સુધી આ કાયદા મુજબ ગુનાકિય મામલામાં બે વર્ષથી વધુની સજા થયા બાદ જેલમાંથી બહાર આવ્યા પછી 6 વર્ષની અયોગ્યતાની જોગવાઈ છે, જ્યારે કે કરપ્શન અને NDPSમાં માત્ર દોષિત જાહેર થવું જ પૂરતું છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે સામાન્ય જનતાને પોતાના નેતાઓ અંગે પૂરી જાણકારી હોવી જરૂરી છે. કોર્ટે કહ્યું કે દરેક નેતાએ પોતાના ગુનાહિત રેકોર્ડની જાણકારી ચૂંટણી લડતાં પહેલાં ચૂંટણી પંચને આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે આ મુદ્દે સંસદે કાયદો બનાવવો જોઈએ. આ ઉપરાંત તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાણકારી પોતાની વેબસાઈટ પર મુકવી પડશે. તો તમામ ઉમેદવારોને ચૂંટણી લડતાં પહેલાં ત્રણ વખત પ્રિન્ટ મીડિયા અને એક વખત ઈલેક્ટ્રોનિક મીડિયામાં પોતાના રેકોર્ડની વિસ્તૃત જાણકારી આપવી પડશે.