દ્વારકાથી દર્શન કરી જતી વેળાએ જામકંડોરણા નજીક કારનું ટાયર ફાટયું’તું: છ ઘાયલ
જામકંડોરણા અને ધોરાજી હાઈવે પર આવેલા દુધીવદર ગામ પાસે કારનું ટાયર ફાટતા દ્વારકાથી ખોડલધામ દર્શને જઈ રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં એક મહિલા સહિત બેના મોત નિપજયા હતા. જયારે છ જેટલા વ્યકિતઓને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડાયા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ જીલ્લાનાં દશકોઈ તાલુકામાં આવેલા નવાપુરા ગામે રહેતા મેલાજીભાઈ પુનાજીભાઈ ઠાકોર ઉ.૪૫, ગીતાબેન દિનેશભાઈ ઠાકોર ઉ.૪૦, રણજીત બુધાજીભાઈ ઠાકોર ઉ.૧૯, ધી‚ભાઈ લાલજીભાઈ ઠાકોર ઉ.૪૧, કેશરબેન ઠાકોર, હંસાબેન કાનજીભાઈ ઠાકોર ઉ.૪૩ પ્રવિણ કાળાજી ઠાકોર ઉ.૪૩ અંજનાબેન ઠાકોર સહિતનો પરિવાર હોળી ધૂળેટીની રજામાં કાર લઈ દ્વારકા દર્શનાર્થે આવ્યો હતો. ત્યાં દર્શન કરી ખોડલધામ જઈ રહ્યા હતા. ત્યારે જામકંડોરણા અને ધોરાજી વચ્ચે આવેલા દુધીવદર ગામ નજીક અકસ્માતે કારના પાછલા વ્હીલનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગીતાબેન દિનેશભાઈ ઠાકોર અને મેલાજી રણજીતભાઈ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જયારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અહીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.