સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચંદ્રેશ કાનાબારની માનસિક ત્રાસના લીધે તબિયત લથડતા સદભાવના હોસ્પિટલ ખાતે આઇસીયુમાં દાખલ કરાયા:
હાલ તબિયત સ્થિર: અગાઉ પણ બે વાર કાનાબારની તબિયત નાજુક થતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા
આજકાલ સ્ટ્રેસ અને કામના ભારણના કારણે લોકોની માનસિક સ્થતિ ખરાબ થતી જાય છે ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સીન્ડીકેટે બેઠક મળે તે પહેલા જ એકેડમિક ઓફિસર ચંદ્રેશ કાનાબારની તબિયત લથડતા તેઓને તાકીદે હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ આજે સવારે 11 વાગ્યા આસપાસ યુનિવર્સીટી ખાતે સિન્ડિકેટની બેઠક મળે તે પહેલા જ કુલપતિ અને એકેડમિક ઓફિસર વચ્ચે રકજક થતા ચંદ્રેશ કાનાબારની તબિયત લથડી ગઈ હતી અને તેઓ પોતાની ઓફિસમાં માથા પછાડી મરી જવાનું જ રટણ કરતા હતા. આ ચર્ચાએ સમગ્ર યુનિવર્સીટી પરિસરમાં જોર પકડ્યું છે જો કે હજુ કોઈ નિશ્ચિત કારણ સામે આવ્યું નથી.અગાઉ પણ બે વાર એકેડમિક ઓફિસર કાનાબારની તબિયત આવી રીતે જ લથડતા તાત્કાલિક તેઓને હોસ્પિટલ લઇ જવાની ફરજ પડી હતી.
મળતી માહીતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ડો.ચંદ્રેશ કાનાબાર માનસિક રીતે તણાવમાં રહેતા હતા જો કે આજે સિન્ડિકેટ બેઠક પહેલા જ આવો બનાવ બનતા તેઓની હાલત ખુબ જ ખરાબ થઇ હતી. સમયસર કર્મચારીઓ તેમની ઓફિસે જઈ તાકીદે તેઓને સદભાવના હોસ્પિટલ ખાતે આઇસીયુમાં દાખલ કર્યા હતા. હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે જે બનાવ બન્યો તે સિન્ડીકેટ શરૂ થવાની 10 મિનિટ પહેલા જ સામે આવ્યો, જો કે હજુ ચોક્કસ કારણ જાણી શકાય નથી કે શા માટે અવારનવાર એકેડમીક ઓફિસર ડો.ચંદ્રેશ કાનાબારની તબિયત બગડે છે. કેમ કે તેઓ યુનિવર્સિટીના કર્મનિષ્ઠ અધિકારી તરીકે ઓળખાય છે. ત્યારે આવી ઘટનાથી બીજા કર્મચારીઓમાં પણ ભારે ચર્ચા જાગી છે કે આખરે એવું તો શું થયું કે કાનાબાર સાહેબની તબિયત અચાનક લથડી? સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં આજે આજની આ ઘટનાએ ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે.