ગાંધીનગરમાં સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સામાજીક સમરસ્તાને વિકાસનો પાયો ગણાવતાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ-જનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો પર વિશેષ ધ્યાન આપી તેમને સામાજીક ન્યાય મળે, રક્ષણ મળે તે માટે તાલુકા કક્ષાથી રાજ્ય સ્તરીય સુધી સમગ્ર વ્યવસ્થાનું મોનિટરીંગ રાજ્ય સરકારની પ્રથમ ફરજ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ સાંસદ વિનોદભાઇ ચાવડા અને રામસિંહ રાઠવા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ પરના અત્યાચાર કનડગતને સરકાર કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાની નથી. આવા અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય-સુરક્ષા મળે તે સરકારની પ્રતિબધ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.