કુદરતી ડિસેબિલિટી વિરૂધ્ધ સર્જરીની એબિલિટી
ખાનગી હોસ્પિટલમાં 10 થી 12 લાખના ખર્ચે થતી સર્જરી સિવિલમાં નિ:શુલ્ક
એક હજારે 3 થી 4 બાળકોને સાંભળવાની કુદરતી ડિસેબિલિટીને એબીલીટીમાં ક્ધવર્ટ કરવાનું અમને અપ્રિતમ સૌભાગ્ય મળ્યું છે, આ શબ્દો છે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના સર્જન ડો. સેજલ મિસ્ત્રીના.
આમ તો કોરોના સમયમાં કોરોના સિવાય ગંભીર ન હોય તેવા કેસમાં સિવિલ હોસ્પિટલમા ઓ.પી.ડી. અને અન્ય સર્જરી લાંબા સમયથી બંધ છે. પરંતુ ગત માસમાં જયારે કોરોનાના કેસ હળવા હતા તે સમય દરમ્યાન અમે 5 બાળકોની બે દિવસમાં સર્જરી કરી છે.
હાલ બાળકો સ્વસ્થ હોવાનું અને ટૂંક સમયમાં ઇમ્પ્લાન્ટકરેલ મશીન ઓન કરવામાં આવશે ત્યારે બાળકોને ધ્વનિની ગુંજ સંભળાશે તેમ ડો. સેજલબેન જણાવે છે.
કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિશે વાત કરતા ડો. મિસ્ત્રી જણાવે છે કે, ગત. તા. 25 અને 26 માર્ચ દરમિયાન 3 બાળકો અને 2 બાળાની કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી નવી ટેક્નોલોજી ‘પોસ્ટીરિયર ટાઇમ્પેનોટોમી’ થકી કરવામાં આવી છે. આ પદ્ધતિથી સર્જરીની સફળતાનો રેસિયો વધુ રહેતો હોય છેઅને સર્જરી સમયમાં ઘટાડો જોવા મળે છે. આ સર્જરીમાં ગાંધીનગર મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નીરજ સુરીનો સહયોગ મળ્યો હતો.
આ સર્જરી પ્રથમ એક કાનમાં કરવામાં આવે છે. આશરે દસ દિવસ બાળકને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. આ સર્જરી મગજની નર્વ સાથે ડાયરેક્ટ જોડાયેલ હોઈ તે ભાગમાં રસી કે અન્ય કોઈ ઇન્ફેક્શન ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોઈ છે. ત્યારબાદ મશીન ઓન કરવામાં આવે છે.
બાળકને તબક્કા વાઈઝ ધ્વનિ અને શબ્દોથી પરિચિત કરવા બાળકને આશરે એક વર્ષ સુધી સ્પીચ થેરાપીની જરૂરત હોવાની અને તેના માટે ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા તેમને શેસનવાઈઝ આ થેરાપી આપવામાં આવતી હોવાનું ડો. સેજલ જણાવે છે.
ખાનગી હોસ્પિટલમાં 10 થી 12 લાખના ખર્ચે થતી આ પ્રકારની સર્જરી રાજ્ય સરકારની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક કરી આપવામા આવે છે. જેનો લાભ ખાસ કરીને ગ્રામીણ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને આપવામાં આવે છે. હજુ ઘણાં બાળકોને આ સર્જરી કરવાની હાલ પેન્ડિંગ છે.
હાલની કોરોનાની સ્થિતિ ધ્યાને લેતા બાળકોને કોરોનાનું ઇન્ફેક્શન ન લાગે તે માટે યોગ્ય સમયે આગળની સર્જરી કરવામાં આવશે તેમ વિભાગ દ્વારા જણાવાયું છે.
વર્ષ 2016થી આ પ્રકારે સર્જરી કરવામાં આવે છે અને પ્રતિ વર્ષ 25 થી વધુ સર્જરી ઈ.એન.ટી વિભાગ દ્વારા કરવામા આવે છે. અત્યાર સુધીમાં 100થી વધુ દિવ્યાંગ બાળકોને સાંભળવા અને બોલવાની બક્ષિસ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પુરી પાડવામાં આવી છે.