મોરબી રોડ પર આવેલા કાગદડીના પાટીયા પાસે આવેલા ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ દસેક દિવસ પહેલાં થયેલા રહસ્યમય રીતે મોત નીપજ્યા બાદ મહંતે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવતા બ્લેક મેઇલીંગના કારણે કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે. કુવાડવા પોલીસે ઉંડી છાનભીન કરી ત્રણ શખ્સો સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કાગદડી પાટીયા પાસે આવેલા ખોડીયારધામ આશ્રમના મહંમ જયરામદાસબાપુ નામના 65 વર્ષના વૃધ્ધનું ગત તા.1 જુનના રોજ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને એક દિવસ માટે અનુયાયીઓના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તા.2 જુનના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે અનુયાયીઓ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, મહંતનું હૃદય રોગના કારણે મોત નીપજ્યાનું જાહેર કયુઈ હતું.
મહંત જયરામદાસબાપુનું કુદરતી નહી પરંતું તેઓએ આપઘાત કર્યા અંગેની માહિતી પોલીસને મળતા કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એન.એન.ચુડાસમા, પી.એસ.આઇ. પી.જી.રોહડીયા અને રાઇટર હિતેશ ગઢવી સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતા આશ્રમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કોડીનાર તાલુકાના પેઢાવાળા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, સુત્રાપાડા તાલુકાના પ્રશ્ર્નાવાળા ગામના હિતેશ લખમણભાઇ જાદવ અને ગાંધીગ્રામના વિક્રમ દેવજી સોહલા નામના શખ્સોના નામનો ઉલેખ કરવામાં આવ્યો હતો.
ત્રણેય શખ્સો દ્વારા મહંત જયરામદાસબાપુનો મહિલા સાથેનો વીડિયો રેકોર્ડીંગ કરી વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી દઇ મોટી રકમ પડાવ્યાનું અને અવાર નવાર મારકૂટ કર્યા અને આશ્રમની મિલકત પડાવી લેવા ત્રાસ દેવામાં આવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મહંત જયરામદાસબાપુ મુળ કોડીનારના પેઢાવાળાના વતની છે તેઓએ રેલવેની નોકરી છોડી છેલ્લા 18 વર્ષથી કાગદડી પાસે ખોડીયારધામ આશ્રમ અને અન્નક્ષેત્ર તેમજ મારૂતિ ગૌશાળાથી સેવાપૂજા કરે છે. અલ્પેશ પ્રતાપ સોલંકી મહંતનો ભત્રીજો થાય છે. જ્યારે હિતેશ તેનો બનેવી થાય છે. બને મહંતના સતત સંપર્કમાં રહેતા હતા. બંનેએ ગાંધીગ્રામના વિક્રમ સોહલાની મદદથી મહિલા સાથેના વીડિયો શુટીંગ કર્યા બાદ બ્લેક મેઇલીંગ કરી મિલકત પડાવી લેવા માર મારતા હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાથી ત્રણેય સામે કાગદડી ગામના રામજીભાઇ જશાભાઇ લીંબાસીયાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
વિક્રમ ભરવાડે મહંતને અવાર નવાર માર માર્યો’તો
મહંત આપઘાત માટે જવાબદાર ગણાતા અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના કહેવાથી ગાંધીગ્રામ વિસ્તારના વિક્રમ દેવા સોહલા નામનો ભરવાડ શખ્સે મહંત જયરામદાસબાપુને અવાર નવાર માર માર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વિક્રમ સોહલા એક સમયે જયરામદાસબાપુની સૌથી નજીક હતો પરંતુ અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવે મહંતને બ્લેક મેઇલીંગ કરવાનું શરૂ કર્યા બાદ બંને શખ્સોના ઇશારે અવાર નવાર ધાક ધમકી દઇ મોટી રકમ પડાવવા પ્રયાસ કર્યાનું જાણકારો કહી રહ્યા છે.
આશ્રમના ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી થવી જોઇએ: મહેશ રાજપૂત
કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુનું ગત તા.1 જુને ભેદી રીતે મોત થયા અંગેની પોલીસને સૌ પ્રથમ કોંગ્રેસના આગેવાન મહેશભાઇ રાજપૂતે કરી ઉંડી તપાસ કરવા અનુરોધ કર્યો હતો. મહંત જયરામદાસબાપુએ ઝેરી દવા પી આપઘાત કર્યાનું ટ્રસ્ટીઓ દ્વારા કેમ છુપાવવામાં આવ્યું અને ડેથ સર્ટિફેકટ કયા તબીબે હાર્ટ એટેકનું આપ્યું તે અંગે ઉંડી તપાસ કરવા માગણી કરી છે.
પુરાવાનો નાશ કરવાનો ગુનો પોલીસ નોંધશે?
મહંત જયરામદાસબાપુના દસ દિવસ પહેલાં થયેલા ભેદી રીતે મોત બાદ બનાવ હાર્ટ એટેક નહી પરંતુ ઝેરી દવા પી આપઘાતનો હોવાનો પોલીસ દ્વારા ઘટ્ટસ્ફોટ કરવામાં આવ્યો છે. ત્યારે મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખાવવામાં કોને રસ હતો અને તાત્કાલિક અંતિમ વિધી અને અસ્થિ વિસર્જન કરાવનાર સામે પુરાવાનો નાશ કરવાની ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તો કેટલાય ટ્રસ્ટીઓ અને અનુયાયીઓની સંડોવણી બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
મહંતની બારોબાર અંતિમ વિધી અને અસ્થિ વિસર્જનમાં કોને ઉતાવળ?
મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખપાવી તાત્કાલિક ભીનું સંકેલી લેવા માટે કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા 1008ની પદવી ધરાવતા મહંત જયરામદાસબાપુની પાલખી યાત્રા કાઢી તાત્કાલિક અંતિમ વિધી કરવામાં આવ્યા બાદ પાપ છુપાવવા હરિદ્વાર ખાતે તાત્કાલિક અસ્થિ વિસર્જન પણ કરી નાખવામાં આવ્યું હતું.
દેવ હોસ્પિટલે ગુનાહીત બેદરકારી દાખવી
મહંત જયરામદાસબાપુએ ગત તા.31મીએ ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે દેવ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ દ્વારા પોલીસને મહંતે ઝેરી દવા પીધા અંગેની જાણ ન કરી ગુનાહીત બેદરકારી દાખવી છે. દેવ હોસ્પિટલના જવાબદાર તબીબ દ્વારા એમએલસી કેસ ગણીને પોલીસને જાણ કરી હોત તો મહંત જયરામદાસબાપુનું પોસ્ટમોર્ટમ થઇ શકે અને સમગ્ર ઘટની સમયસર પોલીસ તપાસ થઇ શકે તેમ હોવાનું જાણતા હોવા છતાં દેવ હોસ્પિટલ દ્વારા શા માટે પોલીસને જાણ ન કરી અને કોની ભલામણ કામ કરી ગઇ તે અંગે ઉંડી તપાસ થવી જરૂરી છે.