ભક્તો ભાવિકો લાઈવ ટેલીકાસ્ટ અને વેબકાસ્ટથી લાભ લીધો
હિંદુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે, સંપ્રદાયો ગુરુ ક્રમ: કહેતા કે, સાચા સંપ્રદાયની ઓળખ એ તેના ગુરુઓની પરંપરા છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આજથી લગભગ સવા બસ્સો વર્ષ પૂર્વે આ ધરા પર અવતરી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણે 49 વર્ષની ઉમરે જીવનલીલા સંકેલી અંતર્ધાન થઈ અનંત મુમુક્ષુઓના આત્યંતિક કલ્યાણ માટેનો માર્ગ હંમેશને માટે ખુલ્લો રાખવા અક્ષરબ્રહ્મ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની પોતાના અનુગામી તરીકે પસંદગી કરી. આ પરંપરા આજે પણ અવિરત ચાલુ છે. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ. તેઓ વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા(પ્રમુખ) તેમજ લાખો ભક્તોના ગુરુદેવ છે.
તા. 20-7-2012 ના રોજ અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજે લખેલા એક પત્ર દ્વારા તેઓને પોતાના ભાવિ ઉત્તરાધિકારી તરીકે સ્થાપીને તેમને ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે આદરણીય સ્થાન આપ્યું છે. પરમાત્માના સાક્ષાત્કારયુક્ત ગુરુદેવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં સૌને પરમ શાંતિનો અનુભવ થાય છે. સૌને પરમાત્માને મળ્યાનો હર્ષ અનુભવાય છે.
તપોમૂર્તિ પૂજ્ય મહંતસ્વામી મહારાજ નિત્ય સવારે 3:30 વાગ્યે જાગી જાય છે. સાધુ થયા ત્યારથી આજપર્યત રસોઈમાં મીઠુ લેતાં જ નથી..!! 60 વર્ષથી મીઠાનો સદંતર ત્યાગ કરેલ છે. ઘી-તેલ વગરનું બાફેલું જ ભોજન ગ્રહણ કરે છે. ભોજન એટલું સાદુ હોય કે હાથ ચીકણો થાય જ નહી..!! સાધુ થયા ત્યારથી આજસુધી બોડીવેઇટ એક સરખું રાખેલ છે. ક્યારેક વજન ઘટ્યું હશે પણ વધવા દીધુ નથી. તેઓ ચુસ્ત પંચવર્તમાન પાળી રહ્યા છે. તપ-ત્યાગનું જાણે સમન્વયતીર્થ! તેઓ ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને દાસત્વભક્તિમાં શુરાપુરા છે. મિતભાષી પૂજ્ય મહંતસ્વામી મહારાજ બોલે છે બહુ ઓછુ. વાક્યમાં પૂછો તો શબ્દમાં ઉત્તર આપે, શબ્દમાં પૂછો તો હાસ્યથી ઉત્તર આપે. સાહજિક દિવ્ય દ્રષ્ટિ ધરાવતા પૂજ્ય મહંતસ્વામી કોઈ વ્યક્તિને જુએ તો બહુ જ પ્રેમથી, બહુ જ મહિમાથી અને દાસભાવથી વંદન કરતા જુએ છે.
આજરોજ તા.19 સપ્ટેમ્બર 2022ના રોજ તેઓનો 89મો જન્મજયંતી મહોત્સવ આણંદ શહેર ખાતે સાંજે 5:30 થી 8 દરમ્યાન ઉજવાશે જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ, GTPL કથા ટીવી ચેનલ, તથા live.baps.org પરથી થશે. માનવમાત્રના હિત માટે પ્રાર્થનામય અને પ્રયત્નશીલ રહેનાર સાધુતાના શિખર સમાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને 89 મા જન્મદિને કોટિ કોટિ વંદન !!