- તા.26જુલાઈએ રાજ્યકક્ષાના વન મહોત્સવમાં મુખ્યમંત્રીના હસ્તે 23માં સાંસ્કૃતિક ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ
- ગુજરાતમાં ‘વન મહોત્સવ’ના 75 વર્ષ પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘75મો વન મહોત્સવ’ યોજાશે. ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
મુખ્યમંત્રીના હસ્તે તેમજ વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. 26 જુલાઈ-2024ના રોજ રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સવારે 11.00 કલાકે 23માં સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરવામાં આવશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન ‘હરસિદ્ધિ વન’ ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યઓની ઉપસ્થિતિમાં વિવિધ 33 જિલ્લા કક્ષાએ, 8 મહાનગરપાલિકા કક્ષાએ, 250 તાલુકા કક્ષાએ તેમજ 5,500 ગ્રામીણ કક્ષાએ ‘75મો વન મહોત્સવ’ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતની તમામ સરકારોએ આ પરંપરાને ગુજરાતમાં યથાવત રાખી છે, જેના પરિણામે આજે ગુજરાતમાં વિવિધ 22 સાંસ્કૃતિક વનો નિર્માણ પામ્યા છે. જેમાં પુનિત વન- ગાંધીનગર, માંગલ્ય વન-અંબાજી, તીર્થકર વન- તારંગા, હરિહર વન-સોમનાથ, ભક્તિ વન-ચોટીલા, શ્યામલ વન-શામળાજી, પાવક વન-પાલીતાણા, વિરાસત વન-પાવાગઢ, ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન-માનગઢ, નાગેશ વન-દ્વારકા, શક્તિ વન- કાગવડ, જાનકી વન-વાસદા, મહીસાગર વન-આણંદ, આમ્ર વન- વલસાડ, એકતા વન-સુરત, શહીદ વન-જામનગર, વિરાંજલી વન-વિજયનગર, રક્ષક વન-ભૂજ, જડેશ્વર વન-અમદાવાદ, રામ વન-રાજકોટ, મારૂતિનંદન વન-વલસાડ, વટેશ્વર વન-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
નવીન હરસિદ્ધિ વનની વિશેષતાઓ રાજ્યમાં સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાતના દ્વારકા-સોમનાથ સાંસ્કૃતિક કોરીડોરની મધ્યમાં આવેલા તેમજ નેશનલ હાઈવે 51ના મુખ્ય માર્ગથી માત્ર બે કિ.મી. દૂર હોવાથી આ વન પર્યાવરણ પ્રેમીઓને વિશેષ આકર્ષિત કરશે. નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં પણ વર્ષ 2013-14માં 64માં વન મહોત્સવ દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૌરાણિક-ધાર્મિક મહત્વ ધરાવતાં 12 જ્યોતિર્લિંગ પૈકીના શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે નાગેશ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાને વન વિભાગ દ્વારા બીજા સાંસ્કૃતિક વન તરીકે “હરસિદ્ધિ વનની ભેટ મળવા જઈ રહી છે.
આ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનો સમાવેશ થાય છે. દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ જેવા કે, પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. ગૂગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ સાથે અન્ય પ્રકારના સુશોભનના રોપાઓ પણ ઉછેરવામાં આવ્યા છે.
ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે સંદર્ભમાં આ સાસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પણ તૈયાર કરવામાં આવ્યા છે. પર્યટકોની સુગમતા ધ્યાને લઈ પાર્કીંગ એરીયા, પીવાના પાણી-શૌચાલય તેમજ રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ ગાંધવી ગામ ખાતે નિર્મિત “હરસિદ્ધિ વન” પર્યાવરણના જતનની સાથે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકારનું વધુ એક ઉત્કૃષ્ટ પહેલ સાબિત થશે
આ વનનું નામાભિધાન ગુજરાતના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર પરથી કરવામાં આવ્યું છે. આ મંદિર સાંસ્કૃતિક, પ્રાકૃતિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ગુજરાતને પ્રાકૃતિક રીતે 1,600 કિ.મી. જેટલી વિશાળ દરીયાઈ પટ્ટીની ભેટ મળેલી છે ત્યારે રાજ્યના પશ્ચિમ કિનારે હાલારના રમણીય સાગરકાંઠાના કિનારે ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીનું ‘ચાલુક્ય કાળ’નું મંદીર આવેલું છે. આ ડુંગરની તળેટીમાં પણ માતા હરસિદ્ધિ બિરાજમાન છે. આ મંદિર સિંહોના બીજા પ્રાકૃતિક આવાસ તરીકે જાણીતા બરડા વન્યજીવ અભયારણ્યની નજીક આવેલું છે. હાલાર અને સોરઠની ધરતીની સરદહ પર હરસિદ્ધિ માતાનું તીર્થધામ ભગવાન શ્રી કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. વધુમાં આ મંદીર સાથે ભગવાન શ્રી કૃષ્ણ, કચ્છના વેપારી જગડુશા તથા રાજા વિક્રમાદિત્યની પૈરાણિક કથાઓ પણ જોડાયેલી છે.