વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ફરી ગુજરાતમાં : આઝાદી કા અમૃત મહોત્સવનો કરાવશે પ્રારંભ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ રહેશે ઉપસ્થિત
અમદાવાદના ગાંધીઆશ્રમ નજીક અભય ઘાટ ખાતે વડાપ્રધાન મોદી સભાને સંબોધન કરશે: 21 દિવસની દાંડીયાત્રાને ફલેગ ઓફ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લઈ આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ સાથે ગાંધીઆશ્રમ નજીક અભય ઘાટ ખાતે વડાપ્રધાન મોદી સભાને સંબોધન પણ કરશે અને 21 દિવસની દાંડીયાત્રાને ફલેગ ઓફ પણ કરાવવાના છે.
ગાંધીઆશ્રમ નજીક આવેલા અભય ઘાટ પર વડાપ્રધાન મોદી સભાને સંબોધન કરશે. જ્યાં એરકંડીશનર ડોમ બનાવવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમમાં સિક્યોરિટીને ધ્યાને રાખી ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે. આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ પણ થશે સાથે સાથે, ’આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદીની હાજરીમાં થશે. તમામ તૈયારીઓને ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સાથે જ ગાંધીજીના નિવાસ સ્થાન હૃદયકુંજ સહિત સમગ્ર આશ્રમમાં રંગરોગાણ પણ કરાયુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે ત્યારે વડાપ્રધાન ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા કરશે.ગાંધી આશ્રમના સંપૂર્ણ નવિનિકરણ પ્રોજેક્ટ માટે એક હજારથી બારસો કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે. પીએમ મોદીની એક મહિનામાં બીજી મુલાકાત છે.
આ પહેલા તેઓ કેવડિયા કોલોની ખાતે જોઈન્ટ કમાન્ડની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ ફરી તેઓ ગુજરાત આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મંત્રીઓ અને 81 ગાંધી અનુયાયીઓ પણ જોડાશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. આ મુલાકાતને લઈને રાજ્ય સરકારે પણ તડામાર તૈયારીઓ કરી છે.
આ કાર્યક્મ અંતર્ગત પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાનો પણ પીએમ મોદી ફલેગ ઓફ કરશે. હાલ ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને જેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલવામા આવ્યો છે. કેન્દ્ર સરકારની ફાઈનલ મંજૂરી બાદ કામગીરી શરૂ કરાશે. ગાંધી આશ્રમના આર્કિટેકચર પ્લાન અને ડિઝાઈનિંગની જવાબદારી અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલને અપાઈ છે.