પદ્વીદાન સમારોહમાં રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહી વિદ્યાર્થીને આશિર્વચન પાઠવશે
૧૩ વિદ્યાશાખાના ૯૮ વિદ્યાર્થીઓને ૧૧૪ ગોલ્ડ મેડલ અર્પણ કરાશે: ૫૫મા પદ્વીદાન સમારોહનું લાઈવ વેબ કાસ્ટીંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર કરવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૫મો પદવીદાન સમારોહ આગામી તા.૧૯ને શનિવારના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને, રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની ખાસ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ ડિજીટલ પ્લેટફોર્મમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૨૯,૭૨૦ દિક્ષાર્થીઓને પદવી તથા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં કુલ ૨૬ વિદ્યાર્થી રૂબરૂ ઉપસ્થિત રહી પદવી મેળવશે. ૫૫માં પદવીદાન સમારોહનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરમાં ડાયરેકટર પિયુષ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ, યુ-ટયુબ પેઝ અને ફેસબુક પેઝ પર લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં કુલ ૧૩ વિદ્યાશાખાના ૯૮ વિદ્યાર્થીઓને ૧૧૪ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે અને ૯૨ દાતાઓના તરફથી આવેલા દાનના વ્યાજની રકમમાંથી કુલ ૧૦૮ રોકડ ઈનામો એનાયત કરવામાં આવશે જેમાં સી.યુ.શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની શાહ રીયાને એમબીબીએસમાં સૌથી વધુ ૪ ગોલ્ડ મેડલ અને ૪ પ્રાઈઝ, સી.યુ.શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરની વિદ્યાર્થીની કવિતા ગઢવીને એમબીબીએસમાં ૩ ગોલ્ડ મેડલ, સરકારી વિનીયન કોલેજ બાબરાના વિદ્યાર્થી મકવાણા લાલજીને બીએમાં ત્રણ ગોલ્ડ મેડલ, એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગરના વિદ્યાર્થી સરાવના કુમારને એમ.એસ.જર્નલ સર્જરીમાં ૩ ગોલ્ડ મેડલ, પ્રભાબેન કોલેજ મોરબીના વિદ્યાર્થીની સોઢા માધુરીને એલએલબીમાં ૩ ગોલ્ડ મેડલ એનાયત થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૫માં પદવીદાન સમારોહમાં સુચારૂ આયોજન માટે જુદી જુદી કમીટીની રચના કરવામાં આવી છે. કુલપતિ ડો.નીતિન પેથાણી તેમજ ઉપકુલપતિ વિજય દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પરિવાર ગરીમા પૂર્ણ ૫૫માં પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે કાર્યરત છે.