શાળા- કોલેજના વિઘાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે ગરીબલક્ષી અને સમાજલક્ષી કાર્યો થકી લોકોનો સામાજિક વિકાસ થાય તે માટે રાજય સરકાર કાર્યો કરી રહી છે.
સમગ્ર રાજયમાં રાજય સરકાર દ્વારા સ્વચ્છતા- સમરસતા અંગેના કાર્યો હાથ ધરાયા છે. સમાજમાં સો ટકા સ્વચ્છતા લાવવા માટે સમાજના પ્રત્યેક વ્યક્તિઓએ સાથે મળી પોતાનું યોગદાન આપવું પડશે. એક વખત રાજય અને દેશ સો ટકા સ્વચ્છ બની જશે તો રાષ્ટ્ર ચોક્કસ નીરોગી બનશે. અધ્યક્ષએ વધુમાં પ્રત્યેક વ્યક્તિ અને સમાજે રાષ્ટ્રહિતમાં સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપવા પણ આહવાન કર્યું હતું.આ પ્રસંગે લોકસભાના સાંસદ દેવજીભાઇ ફતેપરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજયના અનેક પરિવારો સ્વચ્છતાને અભાવે રોગોનો ભોગ બનતા હોય છે, ત્યારે મહાત્મા ગાંધીજીના વિચારોને રાજય સરકારે આ મહા અભિયાન દ્વારા મૂર્તિમંત કરેલ છે. દરેક ગામ શૌચાલય મુકત બને તે માટે રાજય સરકારે ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે તેમા લોકોનો પણ સહયોગ જરૂરી છે. દરેક વ્યક્તિ પોતાના ઘરનું આંગણુ સ્વચ્છ રાખે તેમ વધુમાં જણાવ્યું હતું.પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જંયંતિ અંતર્ગત શહેરની શ્રી એમ.પી. શાહ આર્ટસ કોલેજથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં આવેલ ગાંધીજીની પ્રતિમા સુધી પ્રભાતફેરી યોજાઇ હતી. જેમાં શાળા- કોલેજના વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા હતાં તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.