રાજનાથ સિંહની હાજરીમાં રાફેલ એરફોર્સમાં જોડાયા બાદની પહેલી ઉડાન ભરશે
ફ્રાન્સમાંથી ખરીદવામાં આવેલા ૫ રાફેલ ૨૯ જુલાઈના રોજ ભારત પહોંચ્યા હતા, તેને કઈ રીતે ઓપરેટ કરવા તે અંગેની ટ્રેનિંગ ચાલી રહી છે
રાફેલ પરમાણુ મિસાઈલ પણ લઈ જઈ શકે છે, આ ખાસિયત પાકિસ્તાન-ચીનના ફાઈટર જેટમાં પણ નથી
ફ્રાન્સમાંથી આવેલા ૫ રાફેલ વિમાનને ૧૦ સપ્ટેમ્બરે એરફોર્સમાં સામેલ કરવામાં આવશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં હરિયાણાના અંબાલા એરબેસમાં કાર્યક્રમ થશે. ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેને ચીફ ગેસ્ટ તરીકેનું આમંત્રણ આપવામાં આવશે.
રિપોર્ટ મુજબ રાજનાથ સિંહ રશિયાના પ્રવાસેથી પરત ફરે તે પછી રાફેલને સેનામાં સામેલ કરવાની યોજના છે. રાજનાથ ૪ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમબર સુધી રશિયામાં રહેશે. ત્યાં શંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના રક્ષા મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.
ફ્રાન્સથી રાફેલ વિમાન ૨૯ જુલાઈએ ભારત પહોંચ્યા હતા. તેના ૨૪ કલાકમાં જ તેને ઓપરેટ કરવાની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી. આ વિમાનોને ૧૭ ગોલ્ડન એરોઝ સ્ક્વાડ્રનમાં સામેલ કરવામાં આવશે. ફ્રાન્સથી આવેલા વિમાનોમાં ત્રણ સિંગલ સીટર અને બે ટૂ-સીટર છે. રાફેલ વિમાન લદ્દાખના વિસ્તારોમાં પહેલેથી ઉડાન ભરી રહ્યું છે.
રાફેલ ૨૮ કિમી પ્રતિ કલાકથી ૧,૯૧૫ કિમી પ્રતિ કલાક સુધીની ગતિથી ઉડી શકે છે. તે હવાથી હવામાં ઉપરાંત હવાથી જમીન પર પણ હુમલો કરી શકે છે. તેનાથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે. પાકિસ્તાનના સૌથી શક્તિશાળી ફાઈટર જેટ એફ-૧૬ અને ચીનના જે-૨૦માં પણ આ ખાસિયત નથી.