બીજા અને ત્રીજા સ્થાને સૌથી વધુ છગ્ગા ફટકારવામાં પોલાડ અને મેકુલમ

લિમિટેડ ઓવરની ક્રિકેટ બાદ ક્રિકેટ રમતની રોમાંચક બનાવવા માટે ટી-૨૦ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ૪૧ વર્ષીય ક્રિસ ગેલ કે જેને યુનિવર્સ બોસ તરીકેનું બિરૂદ આપવામાં આવ્યું છે તેને માત્ર ૪૦૧ ટી-૨૦ મેચમાં ૧૦૦૦ છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેલ ગમે ત્યારે વિકેટ ઉપર ઉભા હોય તો તે વન મેન શો તરીકે પોતાની રમત રમતા હોય છે. કોઈપણ બોલરના બોલને બાઉન્ડ્રી બહાર ફટકારવામાં ક્રિસ ગેલનું નામ મોખરે આવે છે ત્યારે ગેલએ ટી-૨૦ કારકિર્દીમાં ૧૦૦૦ સિકસરો ફટકાર્યાનો રેકોર્ડ સ્થાપ્યો છે જેમાં બીજા ક્રમે કેરોન પોલાડની ૬૯૦ સિકસ, બ્રેડન મેકુલમની ૪૮૫ સિકસ ફટકારવામાં આવી છે. આઈપીએલની ૫૦મી મેચમાં પ્રથમ ઈનીંગની ૧૯મી ઓવરમાં ગેલે કાર્તિક ત્યાગીની બોલીંગમાં ડીપ મીડ વિકેટ ઉપર ઈનીંગની ૭મી અને પોતાના ટી-૨૦ કારકિર્દીની ૧૦૦૦મી સિકસ ફટકારી હતી ત્યારે ટી-૨૦માં ૧૦૦૦ સિકસર મારનાર ગેલ પ્રથમ ખેલાડી બન્યો છે.

સિકસરોની સુચી જો તૈયાર કરવામાં આવે તો ગેલ બાદ પોલાડે ૬૯૦ છગ્ગા ૫૨૪ મેચમાં ફટકાર્યા છે તો પોલાડ બાદ બ્રેડન મેકુલમે ૩૭૦ મેચમાં ૪૮૫ છગ્ગા ફટકાર્યા છે ત્યારે ટોપ-૧૦માં લીસ્ટમાં રોહિત શર્મા ૩૩૭ મેચમાં ૩૭૬ છગ્ગા ફટકાર્યા હોવાનું સામે આવ્યું છે. ક્રિસ ગેલ એકમાત્ર ક્રિકેટ જગતમાં એવો ખેલાડી છે જે કોઈપણ બોલરો પર હાવી થવા સક્ષમ છે. કેરેબિયન પ્લેયર ગેલે ક્રિકેટ ઈતિહાસમાં પોતાની આગવી છાપ છોડી છે. કોઈપણ બોલરો યુનિવર્સ બોસ સામે બોલીંગ કરતા હરહંમેશ ડરતા હોય છે. સૌથી ઓછા રન લેવાની ક્ષમતા અને મહતમ બાઉન્ડ્રી ફટકારવાના લક્ષયથી ગેલ મેદાનમાં ઉતરતો હોય છે.

આઈપીએલ ૧૩મી સીઝનનો ૫૦મો મેચ પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો પરંતુ ગેલની આક્રમક રમત છતાં રાજસ્થાનને મેચ ૭ વિકેટે જીત્યો હતો. આ જીતની સાથે જ રાજસ્થાન પ્લે ઓફની દોડમાં યથાવત રહી છે અને ચોથા ક્રમ માટેની રેસમાં પણ ટીમ આવી પહોંચી છે. પંજાબની હારે ટીમ માટે મુશ્કેલી પણ સર્જી છે. ૧૮૬ રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે ૩ વિકેટના નુકસાને મેચ જીતી લીધો હતો ત્યારે રાજસ્થાન પણ હવે રેસમાં યથાવત છે અને પોઈન્ટ ટેબલમાં બંને ટીમોના ૧૨-૧૨ પોઈન્ટ છે. રાજસ્થાન તરફથી રમી રહેલા સ્ટોકસે ૫૦ રનનું યોગદાન આપ્યું હતું અને બોલીંગ દરમિયાન તેને ૨ વિકેટ પણ ઝડપી હતી જેમાં કે.એલ.રાહુલ અને નિકોલસ પુરનનો સમાવેશ થયો છે. ટોસ જીતી રાજસ્થાનની ટીમે બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે બેટીંગમાં આવેલી પંજાબની ટીમ તરફથી કે.એલ.રાહુલે ૪૬ રન, ક્રિસ ગેલ ૯૯ રન, નિકોલસ પુરને ૨૨ રનનું યોગદાન આપ્યું હતું જયારે રાજસ્થાન તરફથી બોલીંગ કરી રહેલા જોફરા આરચલે ૨ વિકેટ અને સ્ટોકસે ૨ વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.