જેલમાં પણ હરણી રોજુ બની રહ્યું છે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક

ઇસ્લામ ધર્મના પવિત્ર રમજાન માસના ૨૭માં મોટા રોજાનો વિશેષ મહિમા

ઇદ નિમિતે મુસ્લિમ અને હિન્દુ તમામ કેદીઓને ખાસ મેનુ પિરસાશે: રોજા દરમિયાન કેદીઓની ભોજન વ્યવસ્થાના સમયમાં કરાયો ફેરફાર

જેલનું નામ પડે એટલે ભલભલાનું ધ્રુજાવી દે છે. પરંતુ રાજકોટ જેલમાં એવું નથી તમામ ધર્મના કેદીઓ હળી મળીને રહી શકે અને તમામ જ્ઞાતિના કેદીઓને તેઓની આસ્થા અને શ્રધ્ઘા મુજબ વ્રત કરવાની છુટ આપવામાં આવે છે. જેલના અધિકારીઓ પણ માનવીય સંવેદના સાથે કેદીઓને તમામ સગવડ પુરી પાડી માનવતાનું ઉદારણ પુરૂ પાડે છે. ઇસ્લામ ધર્મના પવિત્ર રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે.

સંજોગોનો ભોગ બની જેલમાં ગયેલા કેદીઓ પણ જેલમાં રોજા રાખી ખુદાની બંદગી કરતા હોવાથી રોજા રાખતા કેદીઓના જમવાના સમયમાં જેલ સતાધિશો દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે હરણી રોજુ હોવાથી જેલમાં મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિન્દુઓ પણ મોટી સંખ્યામાં હરણી રોજુ રાખતા હોવાથી જેલમાં આવતીકાલના રોજા માટે ખાસ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રાજકોટ મધ્યસ્થ જેલમાં મળી કુલ ૧૨૦૦ જેટલા કેદીઓની ક્ષમતા ધરવાતી જેલની જુદી જુદી બેરેકમાં હાલ ૧૭૦૦ જેટલા કેદીઓનો સમાવેશ થાય છે. તે પૈકી દરરોજ ૩૦૦ થી ૩૨૫ જેટલા કેદીઓ રોજા રાખી ખુદાની બંદગી કરતા હોવાથી તેઓને રોજુ રખવા માટે વહેલી સવારે ચાર વાગે અને સાંજે સાત વાગે રોજુ છોડાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓને વહેલી સવારે ભરપેટ જમવાનું આપવામાં આવે છે અને આખો દિવસ રોજાના કારણે પાણી પણ પીધુ ન હોય અને છેક સાંજે સાત વાગે રોજુ છોડવામાં આવે છે.

શહેરના સદર બજારમાં આવેલા ગુલઝારે મદીના ચેરી ટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટીઓ દ્વારા રોજુ રાખતા કેદીઓને સવારે જેલ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે સાંજે ટ્રસ્ટ દ્વારા કેદીઓને તરબુચ, ચીક, સાકર ટેટી, બરફ, ચા, ભજીયા અને ખજુર આપીને રોજુ છોડવે છે.

આવતીકાલે ૨૭મુ રોજુ એટલે કે, હરણી રોજુ હોવાથી જેલમાં અંદાજે ૩૫૦થી વધુ કેદીઓ રોજુ રાખવાના હોવાથી ગુલઝારે મદીના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વધારા જેલમાં રોજુ રાખતા મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિન્દુ કેદીઓ માટે પણ ભોજનની વ્યવસ્થા કરવાના છે. તેમજ આગામી રમજાન ઇદ નિમિતે જેલમાં મોલવી મોકલી મુસ્લિમ બિરાદરોને નમાજ અદા કરવાની વ્યવસ્થા કરવાના હોવાનું ટ્રસ્ટના અકબરભાઇએ જણાવ્યું છે. ઇદના દિવસે જેલમાં રહેલા તમામ હિન્દુ અને મસ્લિમ કેદીઓ માટે વેજ અને નોનવેજ બીરયાની પીરસવા માટે જ‚રી મંજુરી લેવાની કાર્યવાહી હાથધરી છે.

જેલમાં રહેલા કેદીઓને સામાન્ય સંજોગોમાં સવારે ૯-૩૦ કલાકે ભોજન આપવામાં આવે છે. અને સાંજે પાંચ વાગે રાત્રી ભોજન આપવામાં આવે છે. પણ રમજાન માસ નિમિતે જેલમાં વહેલી સવારે ચાર વાગે જ રસોડુ શરૂ થઇ જાય છે. અને રોજા રાખતા કેદીઓને વહેલી સવારે ભોજન મળી રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.

રોજા રાખતા કેદીઓને જેલના કામમાંથી મુક્તિ

જેલમાં સજા ભોગવતા કેદીઓને તેની આવડ મુજબનું કામ લેવામાં આવે છે અને તેઓને સરકારી ધારાધોરણ મુજબ મહેનતણું ચુકવવામાં આવે છે.પરંતુ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખી ખુદાની બંદગી કરતા કેદીઓને કામમાંથી જેલ સતાવાળા દ્વારા મુક્તિ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.