મુંબઈના ડી.વાય.પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં જસ્ટીન બીબરનો કોન્સર્ટ યોજાવાનો છે. આ માટે જસ્ટીન બિબર ભારતની મુલાકાતે આવવાનો છે. પરંતુ ૨૩ વર્ષના આ પોપસ્ટારે ભારત આવતા પહેલા ઓર્ગનાઇઝર પાસે પોતાની કેટલીક શરતોને પૂરી કરવાની માંગ કરી છે. જેને લઇને ઓર્ગનાઇઝર મુશ્કેલીમાં મુકાયા છે.
જસ્ટીનને ભારત આવવાને હવે અઠવાડિયું જ બાકી રહ્યું છે. ફેન્સ તેના કોન્સર્ટને લઇને આતુર છે.
એક લિડિંગ વેબસાઇટના રિપોર્ટ અનુસાર જસ્ટીને પોતાની ડિમાન્ડમાં રોલ્સરોય્સનો પણ સમાવેશ કર્યો છે. જસ્ટીને જણાવ્યું છે કે જ્યારે તે મુંબઇ આવે ત્યારે એરપોર્ટ પરથી હોટેલમાં રોલ્સરોય્સમાં લઇ જવામાં આવે તેમજ તેની આજુબાજુ 120 કરતા વધુ શોફરનો કાફલો તૈયાર રાખવામાં આવે.આ ઉપરાંત જસ્ટીન તેની સાથે પિંગપોંગ ટેબલ, પ્લેસ્ટેશન, સોફા સેટ, વોશિંગ મશિન, ફ્રિજ, વોર્ડરોબ, મસાજ ટેબલ ભરેલા દસ કન્ટેનર્સ પણ લાવશે જેની વ્યવસ્થા આયોજકે કરવાની રહેશે.
આયોજકો પાસે તેણે સુગંધીદાર મીણબત્તી, નારિયેળ પાણી, ઓર્ગેનિક મધ, ફ્રેશ ફ્રુટ, સફેદ પડદા સાથેનું ડ્રેસિંગ ટેબલ, ચોવીસ પાણીની સ્ટીલ બોટલ્સ, બાર રૂમાલ, ચાર એનર્જી ડ્રિંક્સ, છ વિટામીન વોટર બોટલ્સ, છ ક્રિમ સોડા, ચાર વેનિલા પ્રોટિન ડ્રિંક્સ, બદામનું દૂધ, વેનિલા રૂમ ફ્રેશનર્સની ડિમાન્ડ કરી છે.
જસ્ટીને પોતાના માટે જ નહીં તેના ક્રૂ માટે પણ અલગથી સુવિધાઓ આપવાની ડિમાન્ડ કરી છે. ક્રુ માટે તેણે ઇટાલિયન રેસ્ટોરામાં લંચ અને ડિનરનું આયોજન કરવાનું કહ્યું છે.ઉપરાંત શોપિંગ મોલ, મૂવિ થિયેટર, નાઇટ ક્લબ, બાસ્કેટ બોલ કોર્ટ તેમજ અલગથી રેકોર્ડિંગ સ્ટૂડિયોની પણ ડિમાન્ડ કરી છે.