માપણીમાં ગોટાળે ચડેલા પ્રકરણમાં તપાસના અંતે જગ્યા એરપોર્ટની હદમાં નીકળતા કલેક્ટર તંત્ર જગ્યા ખુલ્લી કરાવશે
અબતક, રાજકોટ
હીરાસર એરપોર્ટની હદમાં આવતું ખાનગી માલિકીનું 200 વારનું બાંધકામ તોડી પાડવામાં આવશે. જો કે આ બાંધકામ હીરાસર એરપોર્ટની હદમાં આવતું હોવાનું તંત્રને તપાસ બાદ માલુમ પડ્યું હતું. જેથી હવે તેને હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂ.1400 કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ માર્ચ 2023 સુધીમાં પુર્ણ થઈ જવાનું અનુમાન છે, અને આ એરપોર્ટ બની જાય પછી રાજકોટ-સૌરાષ્ટ્રના પેસેન્જરોને મુંબઈ-દિલ્હી-ચેન્નઈ કે અમદાવાદ પણ ગયા સિવાય સીધા રાજકોટથી જ કનેકટીંગ ઈન્ટર નેશનલ ફલાઈટસ ઉપલબ્ધ બની શકે છે.
આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે, જે ઓગસ્ટ 2022 સુધીમાં પુર્ણ થશે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે, જે ટૂંક સમયમાં શરૂ થશે અને ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરી માર્ચ 2023 સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
હીરાસર એરપોર્ટના નિર્માણ ઉપર કલેક્ટર તંત્ર નિયમિત નજર રાખી રહ્યું છે.
જો કે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાની માપણીમાં ખાનગી માલિકીની જગ્યા બહાર જ તે આસામીનું સરકારી જમીન ઉપર 200 વારનું બાંધકામ હોવાનું સામે આવ્યું હતું. પણ તપાસના અંતે આ જમીન એરપોર્ટની હદમાં આવતી હોય, સમગ્ર પ્રકરણ રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રને સોંપવામાં આવ્યું છે.
જેથી સનરાઈઝ વેલી તરીકે ઓળખાતી આ જગ્યાનું બાંધકામ હટાવવા કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.