રાખડીમાં વપરાયેલી ૧૨૦૦ પ્રકારની સ્ટેશનરી આઈટમોનું જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરાશે
વિરાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટમનીમાંથી વિવિધ સ્ટેશનરીની વસ્તુઓ જેવી કે નોટબુકસ, ચોપડા, ડ્રોઈંગબુક, પેન, પેન્સિલ, સ્કેલ, શાર્પનર, ઈરઝર, સ્કેચપેન, ક્રેયોનલર, રાઈટીંગ પેડ, કંપાસ બોક્ષ, લન્ચબોક્ષ વગેરેની મદદથી ૨૦૦ સ્કવેર ફૂટની મોટી પ્રેરક રાખડીબનાવી હતી. લગભગ ૧૨૦૦ વસ્તુઓનું વિવિધ સંસ્થાઓના સહયોગથી શહેરની ઝૂપડપટ્ટીના વિદ્યાર્થીઓ તથા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.
આ રાખડી બનાવવામાં વિરાણી સ્કુલના ૩ વર્ષનાં ભૂલકાઓથી માંડી ધો.૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ પોતાનું યોગદાન આપી જોય ઓફ શેરીંગ અને ‘વીર કે વી શેર’ અંતર્ગત પોતાનો આનંદ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત તમામ વર્ગનાં વિદ્યાર્થીઓએ વર્ગદીઠ એક એક વૃક્ષ વાવી વૃક્ષારોપણ કરેલા વૃક્ષોને કંકુ તીલક કરી રક્ષા બાંધી ઉછેરવાની તથા પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે દંડક અજયભાઇ પરમાર, વિરાણી હાઇસ્કૂલના પ્રમુખ જયંતભાઇ દેસાઇ, રમેશભાઇ વિરાણી તથા આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફને આ સેવાકાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.