શાળા પ્રવેશોત્સવ…‘ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની’
કન્યા કેળવણી અંતર્ગત દિકરીઓનું થઇ રહ્યું છે 100% નામાંકન
સમગ્ર રાજ્યમાં પાયાનું શિક્ષણ વધુ સુદ્રઢ બને, શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શિક્ષિત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીકાળના વર્ષ- 2003થી શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીના યજ્ઞને આગળ વધારવા આ વર્ષે ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં ધોરણ-1 માં શાળા પ્રવેશોત્સવ-2023ની ઉજવણી થવાની છે.ત્યારે 20 વર્ષથી ચાલતા આ પ્રવેશોત્સવ દ્રારા રાજકોટ જિલ્લામાં લોકોમાં શિક્ષણ પ્રત્યે અનોખી જાગૃતિ આવી છે.
હવે શાળામાં બાળકની હાજરી અને તેના સર્વાંગી વિકાસ વિષે વાલીઓ પણ જાગૃત થયા છે જેના પરિણામ સ્વરૂપે રાજકોટ જિલ્લાના ડ્રોપ આઉટ દરમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રારંભ પહેલા વર્ષે 2003-2004મા રાજયનો ડ્રોપ આઉટ દર સરેરાશ 37% હતો. રાજકોટ જિલ્લાનો ડ્રોપ આઉટ દર ત્યારે 22% જેટલો હતો પરંતુ આજે શાળા પ્રવેશોત્સવની ફલશ્રુતિ સ્વરૂપ રાજય અને રાજકોટ જિલ્લાનો ડ્રોપ આઉટ દર માત્ર 2% સુધીનો રહી જવા પામ્યો છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બાળકના વિદ્યારંભને તેના જીવનનો યાદગાર ઉત્સવ બનાવવાના વિચાર સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજે પ્રવેશોત્સવ બાળકના ભવિષ્યના સર્વાંગી વિકાસમા શાળાના અમૂલ્ય પ્રદાનની ઝાંખી કરનારો ઉત્સવ બન્યો છે. 20 વર્ષે ક્ધયા કેળવણીના યજ્ઞનું ગુજરાતને ઉત્કૃષ્ટ પરિણામ મળ્યુ છે. આજે રાજ્ય કક્ષાએ સરેરાશ 99% અને રાજકોટ જિલ્લામાં સરેરાશ 100% ક્ધયાઓનું નામાંકનથયું છે.
રાજકોટ જિલ્લામાં 20મા શાળા પ્રવેશોત્સવ-2023ની ઉજવણી માટે કુલ-75 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મંત્રીઓ, રાજ્યના સચિવ કક્ષાના સનદી અધિકારીઓ, જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ એક દિવસમાં ત્રણ શાળાના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં બાલવાટિકામાં 11899 તેમજ ધોરણ-1માં 1357 ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવશે.