લોહાણા સમાજના નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા
હિંડોચા પરિવાર સમુહલગ્ન સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તાજેતરમાં સાતોદડ ગામે સુરાપુરા બાપાના મંદિર નાગરાજધામ ખાતે લોહાણા સમાજની દીકરીઓ માટે ૧૫માં સમુહલગ્ન પ્રસંગે નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ. આ સમુહ લગ્નોત્સવમાં રાંદલ માતાજીનું મંદિર દડવાના મહંત રાજેશ પ્રગટ બાપુ તથા ઓલ ઈન્ડીયા રાજપુત સમાજના પ્રમુખ પી.ટી.જાડેજા તેમજ ભાયાવદર, જામકંડોરણાના લોહાણા મહાજનના પ્રમુખ અને સમાજના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઓલ ઈન્ડિયા રાજપુત સમાજના પ્રમુખ પી.ટી. જાડેજાએ તેમની જુસ્સાદાર શૈલીમાં જણાવેલ કે, દરેક સમાજ દ્વારા સમુહ લગ્ન થતા હોય છે પરંતુ ફકત હિંડોચા પરિવાર દ્વારા લોહાણા સમાજની દીકરીઓ માટે સમુહલગ્ન કરવામાં આવે છે અને તે પણ પોતાની જ દીકરીના લગ્ન હોય તે રીતે કરીયાવર, મહેમાનોની આગતા સ્વાગતા અને વ્યવસ્થા ખુબ જ સુંદર રીતે કરવામાં આવે છે. તે બદલ હિંડોચા પરિવાર વંદનને પાત્ર છે. ૧૫માં સમુહ લગ્ન પ્રસંગે દરેક કન્યાને સોનાનું મંગલસુત્ર, સોનાની બુટી, સોનાની વીટી, સોનાની ચુક, સોફાસેટ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, ગોદરેજ કબાટ જેવી અન્ય ગૃહ ઉપયોગી કુલ ૧૨૪ જેવી ચીજવસ્તુઓ દીકરીઓને શુભેચ્છા ભેટ તરીકે આપવામાં આવેલ. કુમાર હિંડોચા તથા તેમની કલાકારોની ટીમ દ્વારા લગ્ન ગીતોનો રમઝટ બોલાવેલ તેમજ જામકંડોરણાના રાજદીપ મંડપ દ્વારા જાજરમાન સમીયાણો ઉભો કરવામાં આવેલ. આ સમુહલગ્ન દેવકોટી દરબારમાં ઉત્સવરૂપે યોજાયો હતો.