અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે ગાંધીવંદના-ખમા-ખમા લખવાર સ્વરાંજલિ કાર્યક્રમ
ગુજરાતના ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટ દેશપ્રેમ અને ગાંધી ગીતો રજુ કરશે
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર ખાતે મેઘાણી-ગીતો ગુંજશે. ૨ ઓકટોબર ૨૦૧૮ને મંગળવારે સવારે ૯:૩૦ વાગ્યે રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે ગાંધી વંદના – ખમા ખમા લખવાર સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નવી પેઢી મહાત્મા ગાંધીના જીવન-મૂલ્યો-વિચારોથી તથા આપણા સ્વાતંત્રસંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્વાતંત્ર-સેનાનીઓએ આપેલ આહુતિ અને બલિદાનથી પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશભકિતની ભાવના જાગૃત થાય એ આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શકે તે માટે આ કાર્યક્રમ સવારે ૯:૩૦ કલાકે યોજાશે.
રાણપુર ખાતે યોજાઈ રહેલા ગાંધી વંદનાના આ કાર્યક્રમનું સવિશેષ મહત્વ છે. ૧૯૩૭માં ગાંધીજીના જન્મદિને ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય ખમા ખમા લખવારમાં ત્રણ પંકિતના દુહા રચ્યાં હતા. સિંહણ-બાળ ભુલી ગયાં, ખુદ જનનીની કૂખ, આતમ-ભાનની અરસી ધરી એની સનમુખ: મુગતિ કેરી ભૂખ, જગવણહાર ધણું જીવો ! એપ્રલ ૧૯૨૫માં મહાત્મા ગંધી સાથે ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત રાણપુરમાં થઈ હતી
. સૌરાષ્ટ્ર પ્રેસ કાર્યાલયમાં ગાંધીજીએ રાતવાસો કરેલો. રાણપુર સુધરાઈએ ગાંધીજીને માનપત્ર અર્પણ કરેલું. ગાંધીજીએ કહ્યું હતું. દુનિયા સામે ઉભા રહીને પણ આપણો અંતરાત્મા આપણને જે કહે તે જ કરવું. મારી જિંદગીમાંથી કે મારા બોલમાંથી જે કેટલીક વસ્તુઓ શીખવા જેવી હું માનું છું તેમાની આ મહત્વની છે. ઝવેરચંદ મેઘાણીને આ ગુરુમંત્ર આજીવન યાદ રહ્યો.
૧૯૩૧માં ગાંધીજીને સંબોધતું કાવ્ય છેલ્લો કટોરો પણ રાણપુરમાં રચ્યું અને રાષ્ટ્રીય શાયરનું ગૌરવભર્યું બિરુદ પામ્યા. ગાંધીજી અને ખાદી એકબીજાના પૂરક હતા. દેશની આઝાદી માટેની લડતોનાં સ્વાતંત્ર-સેનાનીઓનો પોષાક ખાદીનો જ રહેતો. ઝવેરચંદ મેઘાણી પણ ખાદીનાં વસ્ત્રો પહેરતા.
ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો રજુ કરશે. સુપ્રસિઘ્ધ સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. કસુંબીનો રંગ, રકત ટપકતી સો સો ઝોળી, શિવાજીનું હાલરડું, હજારો વર્ષની જુની અમારી વેદનાઓ, છેલ્લો કટોરો ઝેરનો, સો સો રે સલામું, ઝંડા અજર અમર રે જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, સુના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઉઠો ઉઠો, ચારણ-ક્ધયા, ભેટયે ઝુલે છે તલવાર જેવી ઝવેરચંદ મેઘાણી રચિત અમર રચનાઓ આ પ્રસંગે રજુ થશે.