સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
હાલના સમયમાં સોમનાથમંદિર માં ઘણા ખરા ફેરફારો કરવામાં આવ્યા છે તેવામાં સોમનાથ મંદિરના 1500 કળશ આગામી સમયમાં સોનાથી મઢવામાં આવે એવું આયોજન છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી) પી. કે. લહેરીએ ટ્રસ્ટની કામગીરી વિશે જણાવી કહ્યું હતું કે, સોમનાથ મંદિરનાં ઘૂમટ પર 1500 કળશ છે. આ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં દાતઓ માટેનું ભગીરથ અાયોજન કરાશે. તેમણે જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2200 થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપવા સક્ષમ છે. ટ્રસ્ટ દ્વારા વેરાવળની આજુબાજુના 11 ગામોમાં 100 નાં ટોકન દરે બિમાર ગાયોની સારવાર કરાય છે.