શહેરમાં વિવિધ સ્થળે વરસાદી પાણી જમીનમાં ઉતારવા તાત્કાલિક બોર બનાવવાની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપતા કમિશનરશ્રી
મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રૈયા ચોક ખાતે ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીની આજે સ્થળ પર રૂબરૂ સમીક્ષા કરી હતી. આ સાઈટ વિઝિટ દરમ્યાન તેમણે બ્રિજની કામગીરીને વધુ ઝડપી આગળ ધપાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત ચોમાસા દરમ્યાન વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે જુદી જુદી જગ્યાએ બોર બનાવવાના કામ સંદર્ભે કમિશનરશ્રીએ શહેરના અન્ય કેટલાક વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી અને આ કાર્ય ત્વરિત ગતિએ પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.
આ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, રૈયા ચોક ખાતે ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીમા વધુ ઝડપ લાવવા પ્રયાસ કરવામાં આવી રહયા છે. આ માટે બ્રિજના તમામ પીયર્સના ફાઉન્ડેશન આગામી સાત દિવસમાં ગ્રાઉન્ડ લેવલ સુધી પૂર્ણ કરી લેવા લાગતાવળગતા અધિકારીઓને સૂચના અપાઈ છે. આ ઉપરાંત બ્રિજની રીટેઈનીંગ વોલનું કામ તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ લેવલ સુધી લઇ જવા જણાવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, રૈયા ચોક ઓવરબ્રિજના ગર્ડર, પીયર્સ કેપ અને મેઈન સ્પાનની કામગીરીનો આગામી પ્લાન તાત્કાલિક રજુ કરવા અને બ્રિજમાં જ્યાં જ્યાં રેતી અને માટી ભરાઈ માટેનું કામ અને ખાડાઓ સત્વરે બુરવાનું કામ હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી છે.
દરમ્યાન કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે શહેરમાં જુદા જુદા સ્થળોએ બોર બનાવવા સંદર્ભે આજે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાઈટ વિઝિટને અંતે રેલ્વે અન્ડર બ્રિજ હેઠળના ત્રણ લોકેશન પર બોર બનાવવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત એસ્ટ્રોન ચોક, રેસકોર્સમા બાલભવન ગેઈટ નજીક, રૈયા સર્કલ નજીક મોદી સ્કૂલ પાછળના રાવલનગર, એવરેસ્ટ પાર્ક સોસાયટી, ક્રિસ્ટલ મોલની સામે વૃષભનગર વગેરે સ્થળોએ બોર બનાવવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા જવાબદારોને સૂચના અપાઈ છે.