ભાજપ અને કોંગ્રેસના ૨૦ કોર્પોરેટરોએ ૪૭ પ્રશ્ર્નો રજૂ કર્યા: ડ્રેનેજને લગતા ૧૨ અને બાંધકામના ૮ પ્રશ્ર્નો: બોર્ડ તોફાની બનવાના એંધાણ

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૧મી ઓગસ્ટના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં છેલ્લા એક માસથી શહેરીજનોને ત્રાહિમામ પોકારી દેનાર ડ્રેનેજના પ્રશ્ર્ને ધળબડાટી તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસના ૨૦ કોર્પોરેટરોએ ૪૭ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જેમાં ડ્રેનેજને લગતા ૧૨ જેટલા પ્રશ્ર્નો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે આજે જનરલ બોર્ડની બેઠક માટેનો એજન્ડા પ્રસિધ્ધ કર્યો હતો. બોર્ડમાં અલગ અલગ ૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. ગત માસે શહેરમાં પડેલા અનરાધાર વરસાદમાં શહેરની ડ્રેનેજનું નેટવર્ક વેરવિખેર થઈ ગયું છે. ડ્રેનેજ ઉભરાતી હોવાની ફરિયાદો ૨૦-૨૦ દિવસથી ઉકેલાતી નથી તેના પડઘા આગામી જનરલ બોર્ડની બેઠકમાં પડે તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યાં છે.

પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૨૧ અને કોંગ્રેસના ૧૦ કોર્પોરેટરોએ ૨૬ સહિતા કુલ ૪૭ પ્રશ્ર્નો રજૂ કર્યા છે જેમાં સૌથી પહેલા ભાજપના કોર્પોરેટર આશીષભાઈ વાગડીયાના માર્કેટ, બાંધકામ અને વોટર વર્કસને લગતા પ્રશ્ર્ન અંગે ચર્ચા થશે. સામાન્ય રીતે પ્રશ્ર્નોતરીકાળ એક પ્રશ્ર્નની ચર્ચામાં જ વેડફાઈ જતો હોય છે. આ વખતે પણ આવું જ બને તેવી શકયતા જણાય રહી છે. ડ્રેનેજ પ્રશ્ર્નો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના કોર્પોરેટરો અધિકારીઓ પર તડાપીટ બોલાવવાના મુડમાં છે. જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ વોટર વર્કસ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, વર્ષાબેન રાણપરાએ આરોગ્ય અને બાંધકામ, મનીષભાઈ રાડીયાએ ડ્રેનેજ, બાંધકામ, વશરામ સાગઠીયા ડ્રેનેજ, રોશની અને આરોગ્ય, મનસુખ કાલરીયાએ ડ્રેનેજ, બાંધકામ, આરોગ્ય અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ‚પાબેન સીલુએ માર્કેટ અને વોટર વર્કસ, જયમીન ઠાકરે ડ્રેનેજ અને આરોગ્ય, રેખાબેન ગજેરાએ બાંધકામ, મુકેશભાઈ રાદડીયાએ આરોગ્ય અને ગાર્ડન, જાગૃતિબેન ધાડીયાએ ડ્રેનેજ અને આરોગ્ય, બીનાબેન આચાર્યએ આરોગ્ય અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, અશ્ર્વીનભાઈ ભોરણીયાએ ફાયર બ્રિગેડ અને એસ્ટેટ, જાગૃતિબેન ડાંગરે ડ્રેનેજ, વોટર વર્કસ અને એકાઉન્ટ, જયાબેન ટાંકે ડ્રેનેજ, સોલીડ વેસ્ટ, ઉર્વશીબા જાડેજાએ બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ અને ટીપી, રવજીભાઈ ખીમસુરીયાએ બાંધકામ અને ડ્રેનેજ, અતુલભાઈ રાજાણીએ ડ્રેનેજ અને બાંધકામ તથા દિલીપભાઈ આસવાણીએ ગાર્ડન અને આરોગ્ય શાખાને લગતા પ્રશ્ર્નો જનરલ બોર્ડમાં રજૂ કર્યા છે.

બોર્ડમાં મુકવામાં આવેલા કુલ ૪૭ પ્રશ્ર્નો પૈકી ૧૨ પ્રશ્ર્નો ડ્રેનેજની સમસ્યાને લગતા છે. જયારે ૮ પ્રશ્ર્નો બાંધકામને લગતા હોય બોર્ડ બેઠક ડ્રેનેજ પ્રશ્ર્ને તોફાની બની રહે તેવી સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.