જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા હોસ્પિટલ ખસેડવા માટે ધસી આવેલી ૧૦૮ની ટીમે તે મહિલાની વધુ પીડા ઉપડતા સફળતાપૂર્વક ડીલીવરી કરાવી હતી. આ મહિલાને લક્ષ્મીજી અવતરતા તેમના પરિવારે ૧૦૮ની ટીમને આભાર માન્યો હતો.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વાલ્મિકી વાસમાં વસવાટ કરતા રાહુલભાઈ સોઢા નામના યુવાનના પત્ની આરતીબેનને મંગળવારે જોશભેર વરસી રહેલા વરસાદ વચ્ચે પ્રસવની પીડા ઉપડતા તેણીના પરિવારે ૧૦૮ને જાણ કરી હતી. આ મહિલાને જી.જી. હોસ્પિટલમાં તાત્કાલીક ખસેડવા માટે ૧૦૮ની ટીમના ગજેન્દ્રસિંહ જાડેજા, ઈએનટી જુલાઈબેન ખોરાણી સહિતનો સ્ટાફ ધસી ગયો હતો. તે મહિલાને હોસ્પિટલ પહોંચાડવા આવે તે પહેલાં જ પ્રસવરની અત્યંત પીડા વધતા તેઓને જુલાઈબેન ખોરાણીએ તાત્કાલીક કામગીરી શરૃ કરી સફળતાપૂર્વક ડીલીવરી કરાવી હતી. આ મહિલાને બાળકી અવતરી હતી. તે પછી સ્વસ્ હાલતમાં માતા-પુત્રીને જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં બન્નેની સારવાર શરૃ કરવા ઉપરાંત કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. આ મહિલાના પરિવારે ૧૦૮ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.